હળવદમાં આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. તો બીજી તરફ નવા અને જૂના કપાસના ભાવ વિક્રમી સપાટીએ ચાલી રહ્યા છે. ત્યારે આજે હળવદ માર્કેટિંગ યાર્ડ નવી સિઝનના કપાસનો મુહૂર્તનો સોદો પ્રતિમણ રૂપિયા 6 હજાર 511ના ઓલટાઈમ હાઈએસ્ટ ભાવે સોદો પડતા આગામી સિઝનમાં કપાસના સારા ભાવ મળવાની આશાએ ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.
દર વર્ષે નવી જણસ માર્કેટયાર્ડમાં આવે ત્યારે મુહૂર્તના સોદામાં ભાગ્યશાળી ખેડૂતને પ્રથમ નિપજના ઉંચાભાવે સોડા થતા હોય છે. જે અન્વયે આજરોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કોંઢના કલ્યાણપુર ગામના ખેડૂત રમેશભાઈનો નવી સિઝનનનો કપાસ વેચવા માટે આવતા કપાસના વધામણાં માટે મુહૂર્તનો સોદો વાજતે ગાજતે થયો હતો અને હરાજીમાં નવા કપાસ માટે રૂપિયા 1400થી બોલી શરૂ થઇ હતી. જે વેપારીઓની ચડસા-ચડસીમાં છેલ્લે ધાવડી કૃપા નામની વેપારી પેઢી દ્વારા પ્રતિમણ રૂપિયા 6 હજાર 511ના ભાવે સૌથી ઉંચી બોલી નવો કપાસ ખરીદ કરવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે હાલમાં કપાસિયા તેની બજાર ઉંચી જતા ખેડૂતોને માર્કેટયાર્ડમાં કપાસના સરેરાશ ભાવ પ્રતિ મણના ઉંચામાં ઉંચા 1700 અને નીચામાં 1100 રૂપિયા પ્રતિમણના ભાવ મળી રહ્યા છે. આ સંજોગોમાં હળવદ માર્કેટયાર્ડમાં રૂ. 6511ના ભાવે નવો કપાસ વેંચતા આ વર્ષે ખેડૂતોને પ્રવર્તમાન બજાર મુજબ સારા ભાવ મળવાની આશા બંધાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.