કાયદાનો કડક અમલ:સિરામિક કામદારોને કામદાર રાજ્ય વીમાના કાયદાનો લાભ અપાવડાવો

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિલિકોસિસ પીડિત સંઘના નેજા હેઠળ કલેક્ટર કચેરીમાં રજૂઆત

સુરેન્દ્રગનગર કલેક્ટર કચેરીમાં સિલિકોસિસ પીડીત સંઘ થાનગઢના નેજા હેઠળ સિરામિક કામદારોએ લેખિત રજૂઆત કરી હતી. જે મુજબ કામદાર રાજ્ય વીમા કાયદા હેઠળ થાન વિસ્તાર આવરી લેવાયો છે. જેમાં 10થી વધુ કામદાર કામે રખાતા હોય તે એકમો આ કાયદો લાગુ પડે છે. જેમાં કેલેન્ડર વર્ષમાં 1 દિવસ પણ 10થી વધુ કામદારની સંખ્યા થઇ જાય તો કાયદો લાગુ પડે છે.

જો 10થી સંખ્યા કામદારની ઓછી થાય તો પણ તે લાગુ રહે છે. આ કાયદામાં કામદાર કાયમી હોય કે હંગામી કે કોન્ટ્રાક્ટરે કામ પર રાખ્યા હોય તેમને પણ લાગુ પડે છે. જેમાં રૂ.21 હજારથી ઓછો પગાર મેળવતા તમામ કામદારના પગારમાંથી 4 ટકાના દરે ફાળો કાપી કામદાર વિમા કોર્પોરેશનમાં જમા કરાવવાનો હોય છે.

થાનમાં 50 સિરામિક એકમોમાં હજારો કામદારો કામ કરે છે પરંતુ આ કાયદામાં ઘણા ઓછા કામદારોને આવરી લેવાયા છે. આ અંગે નિગમના ક્ષેત્રીય નિયામકને પણ પત્ર લખી રજૂઆત કરી છે. સિરામિક એકમોમાં કામદારોને સિલિકોસિસ નામના ફેફસાના રોગનું જોખમ રહે છે. દર વર્ષે હજારો લોકો સિલિકોસિસ થયા પછી કામ થતું ન હોવાથી આવક સદંતર બંધ થાય છે.

જ્યારે સારવારનો ખર્ચ વધી જાય છે. કુટુંબ ગરીબી અને દેવામાં ધકેલાઇ જાય છે ઇએસઆઇ હેઠળ આવરી લેવાયા ન હોવાથી તેમને વળતર પણ મળતું નથી. આથી કામદારોને આ કાયદાનો લાભ મળે તે માટે વિસ્તારમાં કેટલા કામદારોને લાભ મળ્યો નથી તેનો સરવે કરાવવા માગ કરી હતી. સિલિકોસિસનો ભોગ બનેલા કામદારોએ ઇએસઆઇ કોર્પોરેશનને પણ વળતર માટે અરજી મોકલી છતા કોઇ જવાબ મળતા નથી.

હાલ સુપ્રીમ કોર્ટે 2017માં હુકમમાં દરેક રાજ્યએ સિલિકોસિસથી મૃત્યુ પામનારને 4 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો પણ ગુજરાત માત્ર 1 લાખ ચૂકવે છે. સિલિકોસીસ પીડીતને પુન:વસન માટે નીતિ ઘડવા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે રાજ્ય સરકારને ભલામણ કરી છતા કોઇ અમલવારી થઇ નથી.આથી આ કાયદાનો કડક અમલ કરાવવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...