અનોખી પહેલ:જિલ્લાના 80 થી 100 ગામ આદર્શ, લોકો વ્યસનમુક્ત બને તે માટે BAPS સ્વામીનારાયણ મંદિરનો સંકલ્પ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર નવા જંકશન પાસે આવેલા મંદિરના નિત્યમંગલ સ્વામીની અનોખી પહેલ
  • અત્યાર સુધીમાં સ્વામી સહિતની ટીમે 25 ગામમાં વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન આપ્યું
  • 500થી વધુ લોકોએ દારૂ, તમાકુ અને ગુટખા સહિતના વ્યસનનો ત્યાગ કર્યો
  • આ કાર્યક્રમોના પ્રભાવથી 1000થી વધુ બાળકે પણ મોબાઇલની કુટેવનો ત્યાગ કર્યો
  • 20 માર્ચથી શરૂ થયેલું આ કાર્ય તારીખ 15 મે 2022 સુધી ચાલશે

સુરેન્દ્રનગર નવા જંકશન પાસે આવેલી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સહિતની ટીમ દ્વારા પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવ અંતર્ગત જિલ્લાના 80થી 100 જેટલા ગામમાં અનોખુ કાર્ય શરૂ કર્યું છે. જેમાં ગામડાની શાળાના બાળકો તેમજ લોકોને વ્યસનમુક્તિ, ઘરસભા, સત્સંગ સહિતના કાર્યક્રમોથી માર્ગદર્શન અપાતા અત્યાર સુધીમાં 25 ગામડાના 500થી વધુ લોકો વ્યસનમુક્તની શપથ લીધા હતા. જ્યારે શાળાના બાળકોમાં પણ આ કાર્યનો પ્રભાવ પડતા 1000થી વધુ બાળકોએ મોબાઇલની કુટેવ છોડી દીધી હતી.

સુરેન્દ્રનગર નવા જંકશન પાસે આવેલા બોચાસણવાસી શ્રી અક્ષરપુરૂષોતમ સ્વામિનારાયણ મંદિર દ્વારા જિલ્લાના ગામડા આદર્શ તેમજ તેના લોકો વ્યસનમુક્ત બને તે માટે મંદિરના કોઠારી સ્વામી ધર્મચિંતન સ્વામીના માર્ગદર્શન નીચે નિત્યમંગલ સ્વામી, રોમહર્ષ ભગત, પૂર્ણચિંતન સ્વામી, પતંજલી ભગત, દિનેશભાઈ ત્રિવેદી, પ્રવિણભાઈ જાદવ સહિત 15 લોકોની ટીમ જિલ્લાના ગામડે ગામડે જઇને વિચરણ કરી રહી છે. જિલ્લાના 80થી 100 જેટલા ગામડા આદર્શ બને તેમજ લોકો અને બાળકો વ્યસનમુક્ત બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

20 માર્ચથી શરૂ થયેલું આ કાર્ય તા. 15 મે-2022 સુધી ચાલશે. અત્યાર સુધીમાં સ્વામી સહિતની ટીમે 25 જેટલા ગામોમાં 25 ગામોમાં વ્યસનમુક્તિના વીડિયો ફિલ્મ તેમજ સતસંગ સભાઓ કરી લોકોને માર્ગદર્શન આપ્યુ હતી. જેમાં 500થી વધુ લોકોએ દારૂ, તમાકુ,કુટખા સહિતના વ્યસન ત્યજી દેવાના શપથ લીધા હતા. વઢવાણના કોઠારિયા ગામે વ્યસનમુક્તિ અને ઘરસભાની વિડીયો ફિલ્મ બતાવવામાં આવી હતી.

આ આયોજનને સફળ બનાવવા માટે ઘનશ્યામભાઈ પઢારિયા, પ્રવીણભાઈ લકુમ, કાનજીભાઈ રાજપૂત વગેરે જહેમત ઉઠાવી હતી. ગામના 10 લોકોએ દારૂ, તમાકુ, કુટખા સહિતના વ્યસન ત્યજી દીધા હતા. દરરોજ 1-1 ગામે આ પ્રકારના કાર્યક્રમો કરે છે. કોઠારિયા ગામે તેમનો 25મો ધાર્મિક કાર્યક્રમ હતો. 15 ડિસેમ્બર-2022થી 13 જાન્યુઆરી-2023 દરમિયાન અમદાવાદમાં યોજાનાર પ્રમુખ સ્વામીના શતાબ્દી મહોત્સવમાં પધારવાનો પણ સ્વામી સહિતની ટીમે સંદેશો આપ્યો હતો.

બીજાના સુખમાં આપણું સુખ
આ જીવનમંત્ર અમારા પ્રમુખસ્વામીનો છે તેને ગામેગામ અને ઘરે ઘરે પહોંચડવાનો છે. લોકો વ્યસનમુક્ત બંને, બાળકો મોબાઇલોથી દૂર રહે અને ગામ આદર્શ બને તેવા પ્રયાસો સાથે માર્ગદર્શન ગામેગામ અપાઈ રહ્યાં છે. 20 માર્ચ-2022થી 15-મે સુધીમાં જિલ્લાના 80થી 100 ગામોમાં આ સેવા શરૂ કરાઇ છે. અત્યાર સુધીમાં 25 ગામમાં લોકોને માર્ગદર્શન અપાયું હતું. > નિત્યમંગલસ્વામી, બીએપીએસ સ્વામિ નારાયણ મંદિર, નવા જંકશન, સુરેન્દ્રનગર

ટીમનું 1 ગામમાં 1 દિવસ-રાત્રિ રોકાણ
સુરેન્દ્રનગર નવા જંકશન પાસે આવેલી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સહિતની ટીમ દ્વારા 1 ગામમાં 1 દિવસ-રાત રોકાણ કરે છે. જેમાં કાર્યક્રમની તમામ ચીજવસ્તુઓ મંદિરની જ હોય છે. જિલ્લાના વઢવાણ, મૂળી, લખતર, ધ્રાંગધ્રા તાલુકાના કોઠારિયા, મોઢવાણા,સુજાનગઢ, કારેલા લટુડા, રૂપાવટી, નગરા સહિતના ગામડાઓ આવરી લેવાયા છે. દિવસે શાળાઓમાં બાળકોને વ્યસનમુક્તિ માટે માર્ગદર્શન અપાતા અત્યાર સુધીમાં 1000થી વધુ બાળકે મોબાઇલ પર ગેમ રમવાની ટેવ દૂર કરી હતી.

ગામના પૂર્વ સરપંચે પણ વ્યસનમુક્તિના શપથ લીધા
મારે છેલ્લા 8થી 10 વર્ષથી પાન-માવાનું વ્યસન હતું. ગામમાં સ્વામીના કાર્યક્રમ થકી અનેક લોકોને અસર થઇ હતી. તેમના માર્ગદર્શનથી ગામના અનેક યુવાનોને અસર થઇ હતી. સ્વામીના માર્ગદર્શન મળતા મેં પણ આ વ્યસન ત્યજવાના શપથ લીધા હતા. ઘરસભા તેમજ વ્યસનમુક્તિની વાતથી અનેકના જીવનમાં પરિવર્તન થાય છે. > પ્રવીણભાઈ કલ્યાણભાઇ લકુમ, પૂર્વ સરપંચ, કોઠારિયા ગામ

અન્ય સમાચારો પણ છે...