અતિ જર્જરીત આંગણવાડી:ખારાઘોડામાં આંગણવાડીની ખરાબ હાલત, જર્જરિત છાપરમાંથી વરસાદી પાણી પડતા બાળકો પરેશાન

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • આંગણવાડી કેન્દ્ર નંબર 12માં હાલમાં કુલ 35 બાળકો છે

પાટડી તાલુકાની ખારાઘોડા નવાગામની આંગણવાડી કેન્દ્ર નંબર 12માં હાલમાં કુલ 35 બાળકો છે. આ આંગણવાડીમાં પણ વરસાદની હેલી થતાં ખારાઘોડા આંગણવાડી કેન્દ્રમાં વરસતા વરસાદમાં નાના-નાના ભુલકાઓ આ રીતે વરસાદ પોતાના શરીર પર ઝીલે છે. આ આંગણવાડીના જર્જરિત છાપરમાંથી પુષ્કળ વરસાદી પાણી પડે છે. જેમાં બાળકો વરસાદમાં અંદર પાણી પડતા હેરાન પરેશાન થાય છે.

તાલુકાની 15થી 17 આંગણવાડી
ગુજરાતના બાળકો કૂપોષણમાં ખૂબ પછાત હોવાની બૂમરાડો ઉઠવા પામી છે. ત્યારે મળેલી ચોંકાવનારી હકીકતો મુજબ પાટડી તાલુકાની 30થી વધુ આંગણવાડીમાં વિજળી, પાણી કે શૌચાલયની સુવિધા જ નથી. અને પાટડી તાલુકાની 15થી 17 આંગણવાડી અત્યંત જર્જરિત હોવાથી ભગવાન ભરોસે છે. અને રણકાંઠાના ગામડાઓની આંગણવાડી ચલ‍ાવવા મકાનભાડા, વિજળી અને પાણીની સગવડ માટે મહિને સમખાવા પુરતી રૂ. 200ની જ ફાળવણી કરવામાં આવે છે એ પણ કડવી વાસ્તવિકતા છે.

દર વર્ષે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે
ગુજરાતનાં બાળકો કૂપોષણમાં અતિ પછાત હોવાની બૂમરાડો વચ્ચે એના નિવારણ માટે આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી ભૂલકાઓને પોષ્ટીક આહાર મળે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે લાખો રૂ.નું આંધણ કરવામાં આવે છે. ત્યારે પાટડી તાલુકામાં ઘટક-1માં 145 આંગણવાડી કેન્દ્રોમાં કુલ 4640 ભૂલકાઓ અને ઘટક- 2માં 45 આંગણવાડી કેન્દ્રોમાં કુલ 1442 ભૂલકાઓ નોંધાયેલા છે.

આંગણવાડી અત્યંત જર્જરીત
પાટડી તાલુકાની આંગણવાડીમાં કેટલીક અત્યંત ચોંકાવનારી હકીકતો સામેં આવી હતી કે, પાટડી તાલુકાની ઘટક 1 અને 2માં થઇને આવેલી કુલ 191 આંગણવાડી માંથી 30થી 32 જેટલી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. જેમાં તંત્ર દ્વારા શહેરી વિસ્તારની આંગણવાડી માટે મહિને રૂ. 750 અને ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી માટે મહિને રૂ. 200નું બજેટ ફાળવવામાં આવે છે. આટલી રકમમાં વિજળી અને પાણીની સુવિધાવાળુ ભાડાનું મકાન મળવુ મુશ્કેલ છે. પાટડી તાલુકાની 25થી વધુ આંગણવાડીમાં નળ અને પાણીની સુવિધા નથી. 35થી વધુ આંગણવાડીમાં શૌચાલયની પણ સુવિધા નથી જ્યારે 40થી વધુ આંગણવાડીમાં વિજળીની સુવિધા નથી જ્યારે 15થી 17 જેટલી આંગણવાડી અત્યંત જર્જરીત હાલતમાં ભગવાન ભરોસે છે.

અન્ય સમાચારો પણ છે...