રજૂઆત:હળવદમાં સરા રોડ પરના કુદરતી તળાવમાં ગેરકાયદેસર બુરાણ કરાતાં જાગૃત નાગરિકે ચીફ ઓફિસરને રજૂઆત કરી

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં કુદરતી તળાવમાં ગેરકાયદેસર બુરાણ કરાતાં જાગૃત નાગરિકે ચીફ ઓફિસરને રજૂઆત કરી - Divya Bhaskar
હળવદમાં કુદરતી તળાવમાં ગેરકાયદેસર બુરાણ કરાતાં જાગૃત નાગરિકે ચીફ ઓફિસરને રજૂઆત કરી
  • સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા સીસી રોડના કામકાજમાં થતું ખોદકામ તળાવમાં નાખવાના આક્ષેપો
  • તળાવનો જે હિસ્સો બુરાણ થયેલો છે, તેના ઉપર બિનઅધિકૃત કબ્જો કરાયો હોવાના આરોપ
  • દબાણ કરી કબ્જો કરનારા શખ્સો સામે યોગ્ય કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી

હળવદ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં આવેલા તળાવમાં પાછલા ઘણા સમયથી ગેરકાયદેસર રીતનું બુરાણ કરી કબ્જો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાબતે હળવદના જાગૃત યુવાને હળવદ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરી તળાવમાં ગેરકાયદેસર દબાણ કરી કબ્જો કરનારા શખ્સો સામે યોગ્ય કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે.

હળવદ શહેરના બસ સ્ટેશન પાછળ રહેતા જીતેન્દ્રભાઈ રાઠોડે હળવદ પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, હળવદ-સરા રોડ ઉપર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં વર્ષો જૂના તળાવમાં ગેરકાયદેસર રીતે સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા શહેરમાં ચાલતાં સીસી રોડના કામકાજમાં થતું ખોદકામ આ તળાવમાં નાખવામાં આવે છે. તેમજ આ રીતે તળાવનું બુરાણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ હાલમાં જે તળાવનો હિસ્સો બુરાણ થયેલો છે. તેના ઉપર બિનઅધિકૃત રીતે કબ્જો પણ કરવામાં આવી રહ્યો છે.

જો કે જાગૃત યુવાને અગાઉ પણ હળવદ નગરપાલિકાને રજૂઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા તળાવનું બુરાણ કરતાં શખ્સોની હિંમતમાં વધારો થયો છે.

જીતેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ તળાવ વર્ષો જૂનું તળાવ છે, હળવદની મધ્યમાં આવેલું છે. આ તળાવ નગરપાલિકાની જાહેર મિલકત છે. તેની જાળવણી કરવી અને તેને ચોખ્ખું રાખવું એ હળવદ પાલિકાની ફરજ છે. હાલ રાજ્ય સરકાર તળાવના બ્યુટીફીકેશન માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે. જ્યારે આ તળાવમાં કચરો નાખવાનો જાણે પરવાનો આપી દીધો હોય એવું લાગી રહ્યું છે.

આ રજુઆતના અંતે જણાવાયું હતું કે, આવતા દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા તળાવમાં કચરો નાખતા શખ્સો તેમજ ગેરકાયદેસર કબજો જમાવતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની પણ તેમની તૈયારી છે.

અન્ય સમાચારો પણ છે...