મોરબીના હળવદ તાલુકાના સુસવાવ ગામના પાટીયા પાસે હાઈવે રોડ પર લગ્ર પ્રસંગમાં હાજરી આપી વેગડવાવ પરત બાઈક લઈને જતા દંપતિ અને તેમના ભત્રીજાને બોલેરો ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેથી ઈજાગ્રસ્તોને 108ની મદદથી પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન કાકી અને ભત્રીજાનાં મોત નિપજ્યાં હતાં. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા બોલેરોના ચાલક સામે કાર્યવાહી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અનિલભાઈ ચંદુભાઈ સુરેલા(ઉ.વ.30) તેમનાં પત્ની જયાબેન અનિલભાઈ સુરેલા(ઉ.વ.27) અને ભત્રીજો હાર્દિક(ઉ.વ.7) સુસવાવ ગામે લગ્ન પ્રસંગે હાજરી આપી પરત બાઈક લઈ વેગડવાવ જતાં હતાં.
ત્યારે માળીયા હાઈવે ઉપર સુસવાવ ગામના પાટીયા નજીક પુરપાટ ઝડપે આવતી બોલેરો કારના ચાલકે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકમાં સવાર ત્રણેયને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સની મદદથી પ્રાથમિક સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
જો કે વધુ સારવાર માટે ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ બનાવમાં સારવાર દરમિયાન જયાબેન અને ભત્રીજા હાર્દિકનું મોત નીપજ્યું હતું. હાર્દિક ધો.1માં અભ્યાસ કરે છે. બીજી તરફ અકસ્માત સર્જી બોલેરો કાર ચાલક નાસી છુટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં હળવદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.