મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લાના જુદાં-જુદાં વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા કરવામા આવી હતી. વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે રીતનુ સુચારૂ આયોજન ઘડી કાઢવા ડૉ.મહેન્દ્ર મુંજપરાએ માર્ગદર્શન-સુચના આપી હતી. આ બેઠકમાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની ઉક્ત બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરાએ સરકારની અનેકવિધ જનલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી સમયસર પહોંચે અને સાચા અર્થમાં લોકો આત્મનિર્ભર બને અને જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચકક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું.
જિલ્લામાં કોઈ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ જો થતું હોઈ તો તેવા તબીબો/હોસ્પિટલ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા, જિલ્લા-તાલુકાકક્ષાએ “બેટી બચાવો-બેટી પઢાઓ” અભિયાનને વેગવાન બનાવવા તેમજ જિલ્લાની શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે સુનિશ્ચિત કરવા માટેના જરૂરી પગલાં લેવા પોલીસ સહિતના વિભાગોને સુચના આપી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, અન્ન નાગરિક પુરવઠા, આરોગ્ય, શિક્ષણ, નગરપાલિકા વિસ્તાર સહિતના ક્ષેત્રોમા જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી સંપટે ઉક્ત બેઠકમાં જિલ્લામા ચાલતા યોજનાકીય કામો સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ.રાયજાદા સહિતના સમિતિના અન્ય સભ્યો, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.