તમે ક્યાંય સાંભળ્યું છે કે, પૂરી કે ભટુરાની જેમ પરાઠા પણ આખા ફૂલે ત્યાં સુધી ફ્રાય કરીને આપે.. હંમેશાં તેલમાં શેકાતા પરોઠાને તળીને રસાદાર બટાટા સાથે માણવા હોય તો આવી જાવ ઝાલાવાડમાં.. સુરેન્દ્રનગરના લક્ષ્મી પરોઠા હાઉસમાં પરોઠા તેલમાં શેકાતા નથી પરંતુ છોલે-ભટુરેના ભટુરાની જેમ તેલમાં તળાય છે. આ ફ્રાય પરોઠાનો ટેસ્ટ એટલો પ્રખ્યાત બની ગયો છે કે, રાજકોટ અને અમદાવાદથી લોકો સ્પેશિયલ ખાવા માટે જાય છે. અહીં ફ્રાય પરોઠાની સાથે રસાવાળા બટાટાના શાકનું ડેડલી કોમ્બિનેશન જોવા મળે છે. છોલે-ભટુરેની જેમ ફ્રાય પરોઠા અને રસાવાળા બટાટાના શાક સાથે કોળિયો મોંમાં મૂકે એટલે લોકો બોલી ઊઠે છે...અદભુત
હટાણું કરવા આવતા લોકો લક્ષ્મી પરોઠા હાઉસમાં જ જમે
સુરેન્દ્રનગર હટાણું કરવા એટલે કે બજારમાં ખરીદી માટે આવતા લોકો સુરેન્દ્રનગરના લક્ષ્મી પરોઠા હાઉસના તળેલા પરોઠા અને રસાવાળા બટાટાનું શાક અવશ્ય ખાય છે. સુરેન્દ્રનગરની મહાલક્ષ્મી ટોકીઝ સામે આવેલા લક્ષ્મી પરોઠા અને ડાઇનિંગ હોલમાં ફ્રાય પરોઠાની સાથે બટાટા, ઢોકળીનું શાક, સેવ-ટામેટાનું શાક, રીંગણાનો ઓળો, દેશી લીલા ચણાનું શાક, વઘારેલા ભાત અને રસો ખાવા રીતસર લાઈન લાગે છે. એટલે સુરેન્દ્રનગરનાં ફ્રાય પરોઠા-શાક આજુબાજુનાં ગામના લોકોના દાઢે વળગ્યાં છે.
એક વાર જમે એ મિત્રો-સગાંને લઈને અચૂક આવે
સુરેન્દ્રનગરના ફ્રાય પરોઠા અને રસાવાળા બટાટાની સુવાસ આજુબાજુનાં ગામના લોકોની સાથે અમદાવાદ, રાજકોટ સહિતના લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરેન્દ્રનગર હટાણું કરવા આવતા આજુબાજુનાં ગામના લોકો સુરેન્દ્રનગરના લક્ષ્મી પરોઠા હાઉસના તળેલા પરોઠા અને રસાવાળું બટાટાનું શાક અવશ્ય ખાય છે. જ્યારે દૂર દૂરના ગામથી મિત્રવર્તુળમાં લોકો સ્પેશિયલ પરોઠા-શાકની જયાફત ઉઠાવવા સુરેન્દ્રનગર સુધી દોડી જાય છે. જ્યારે સરકારી કામકાજ કે અગત્યનાં કામ માટે આવતા લોકો પણ સુરેન્દ્રનગર પરોઠા-શાક ખાવા અચૂક આવે છે. ત્યાં સુધી કે એક વાર અહીંનાં પરોઠા-શાકનો સ્વાદ ચાખી જાય એ બીજાવાર પોતાના મિત્રો અને સગાં-સંબંધીને લઈને પણ અવશ્ય આવે છે.
કેવી રીતે બને છે ફ્રાય પરોઠા?
સુરેન્દ્રનગર મહાલક્ષ્મી ટોકીઝ રોડ પર આવેલા લક્ષ્મી પરોઠા હાઉસ એન્ડ ડાઇનિંગ હોલ છેલ્લાં 65 વર્ષથી એટલે કે ત્રણ પેઢીથી આ પરોઠા-શાક આજેય એટલાં જ વખણાય છે. ફ્રાય પરોઠા બનાવવા માટે પહેલાં તો ઘઉંના લોટમાં જરૂરિયાત મુજબ મીઠું નાખવામાં આવે છે અને બાદમાં યોગ્ય માત્રામાં પાણી નાખી લોટ બાંધવામાં આવે છે. ત્યારબાદ બંધાયેલા લોટમાંથી એક જ સાઇઝનાં ગોરણાં બનાવવામાં આવે છે. આ ગોરણાને વેલણથી વણી પરોઠાનો આકાર આપવામાં આવે છે. બાદમાં પરોઠાને તેલના તવામાં તળવામાં આવે છે અને યોગ્ય રીતે તળાઇ જાય પછી તેને ઝારા વડે બહાર કાઢી ગ્રાહકોને પીરસવામાં આવે છે.
લગ્નની ખરીદીમાં આવેલા લોકો જમ્યા વગર ન જાય
લક્ષ્મી પરોઠા હાઉસ એન્ડ ડાઇનિંગ હોલના માલિક અશોકભાઈ સોમૈયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે આ પરોઠા હાઉસ 65 વર્ષથી ચલાવીએ છીએ. પહેલાં તો સાદી રીતે પરોઠા-શાક બનાવતા હતા. ધીમે ધીમે પ્રગતિ કરતા ગયા અને આગળ આવ્યા છીએ. લક્ષ્મીદાસ રણછોડદાસ સોમૈયા નામથી અમારી પેઢી ચાલે છે. સુરેન્દ્રનગરમાં લગ્નપ્રસંગ કે અન્ય કોઈ ખરીદી કરવા લોકો આવ્યા હોય તેઓ અહીં જ જમવા આવે છે.
લક્ષ્મીચંદ રણછોડદાસ સોમૈયાએ શરૂઆત કરી
અશોકભાઈના પુત્ર રિંકુ સોમૈયાએ જણાવ્યું હતું કે, મારા દાદા સ્વ.લક્ષ્મીચંદ રણછોડદાસ સોમૈયાએ આ જ જગ્યા ઉપર પરોઠા-શાકની શરૂઆત કરી હતી. એમના નામ પરથી જ લક્ષ્મી પરોઠા હાઉસ એન્ડ ડાઇનિંગ હોલની શરૂઆત કરી હતી. એમના પછી મારા પિતાજી અશોકભાઇ લક્ષ્મીચંદ સોમૈયા અને બાદમાં હું એમ ત્રણ પેઢીથી આ ધંધો ચલાવીએ છીએ. આજેય સુરેન્દ્રનગર લક્ષ્મી પરોઠા અને ડાઇનિંગ હોલમાં પરોઠાની સાથે બટાટા, ઢોકળીનું શાક, સેવ-ટામેટાનું શાક, રીંગણાનો ઓળો, દેશી લીલા ચણાનું શાક, વઘારેલા ભાત અને રસો ખાવા મોટી લાઈન લાગે છે. એટલે સુરેન્દ્રનગરના ફ્રાય પરોઠા-શાક આજુબાજુનાં ગામના લોકોના દાઢે ચોંટ્યા છે.
અમદાવાદ-રાજકોટથી સ્પેશિયલ લોકો જમવા આવે
રિંકુ સોમૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા પરોઠા-શાકની ખાસિયતની વાત કરીએ તો અમે પરોઠા તેલમાં શેકીને નહીં પણ તેલમાં તળીને બનાવીએ છીએ. શિયાળા પૂરતો અમે રીંગણાનો ઓળો બનાવીએ છીએ. સાથે પુલાવ રાઇસ અને દાળ-ભાત પણ બનાવીએ છીએ. અમારી 65 વર્ષ જૂની પેઢી છે. બહાર ગામથી હટાણું કરવા સુરેન્દ્રનગરમાં આવે તે અમારાં પરોઠા-શાક જમ્યા વગર જતા નથી. અમારા પરોઠા એટલા પ્રખ્યાત છે કે, અમદાવાદ, રાજકોટથી લોકો સ્પેશિયલ જમવા પણ આવે છે.
નેચરલ અને બેસ્ટ જમવાનું મળે છે
અમદાવાદથી આવેલા નિંકુજભાઇ પટેલે જણાવ્યું હતું કે, હું જ્યારે પણ સુરેન્દ્રનગર આવું છું ત્યારે બપોરનું જમવાનું અહીં ફિક્સ હોય છે. અહીં પરોઠા-શાક એકદમ મસ્ત મળે છે. હું દર વખતે સેવ-ટમેટાનું શાક અને પરોઠા જમું છું. અહીંના તળેલા પરોઠા એટલે વાત પૂછોમા એટલા ટેસ્ટી હોય છે. અહીંની ખાસિયત એવી છે કે, એકદમ નેચરલ અને બેસ્ટ જમવાનું મળે છે. અહીંનો ટેસ્ટ કંઈક અલગ જ મળે છે. ખાવાની મજા જ આવ્યા રાખે છે. આપણે ઘરે જમતા હોઇએ તેવી વસ્તુઓ અહીં મળે છે. અહીંનાં પરોઠા-શાકમાં મરી-મસાલો ખૂબ ઓછો હોવાની સાથે ટેસ્ટ ખૂબ જ લહેજતદાર હોય છે.
નામ સાંભળતા મિત્રો સાથે ખાસ જમવા આવ્યો છું
આ અંગે લક્ષ્મી પરોઠા હાઉસમાં ખાસ અમદાવાદથી જમવા આવેલા યોગેશભાઇ શાહે જણાવ્યું કે, આજે હું પહેલી વખત કામ માટે સુરેન્દ્રનગર આવ્યો હતો. જેમાં અહીંનાં પરોઠા-શાકનું સાંભળ્યા બાદ મિત્રો સાથે હું અહીં પરોઠા-શાક જમવા માટે આવ્યો છું. પણ ખરેખર અહીંના ફ્રાય પરોઠા અને રસાવાળું શાક અને વઘારેલા ભાત અને રસા સાથે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.