ચોટીલા ચમકશે:ચોટીલા ડુંગર પર ભક્તો રાત્રિના સમયે ડિજિટલ લેઝર શો નિહાળી શકશે, આજથી રાત્રિના સમયે પણ ડુંગર ચમકતો જોવા મળશે

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
ચોટીલા ડુંગર પર ભક્તો રાત્રિના સમયે ડિજિટલ લેઝર શો નિહાળી શકશે
  • ડિજિટલ લેઝર શોના માધ્યમથી માતાજીની પ્રતિકૃતિ નિહાળી શકાશે

ગુરુવારથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ચોટીલામાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ નવરાત્રિમાં ડિજિટલ લેઝર શોનું આયોજન કરાયું છે. ડિજિટલ લાઈટની મદદથી ચોટીલા ડુંગર પર શણગાર કરાયો છે. જે રાત્રિના સમયે મંદિરની સુંદરતાને ચાર ચાંદ લગાવી દેશે. રસ્તા પરથી ભક્તો ડુંગર પર લેઝર શો વડે રજૂ થનારી માતાજીની પ્રતિકૃતિ નિહાળી શકશે.

ડિજિટલ લેઝર શો અને મ્યુઝિક સાથે ભક્તો ગરબાનો આનંદ લઈ શકશે
નવલી નવરાત્રિમાં આખી રાત ગરબે ઘુમવા યુવાધન હિલોળે ચઢ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર નવલાં નોરતા પર લેઝર લાઈટનો ઉપયોગ કરી ડિજિટલ લેઝર શોનું આયોજન કરાયું છે. સામાન્ય રીતે રાત્રિના સમયે ડુંગર પર લાઈટના અભાવે લોકો ડુંગર નિહાળી નથી શકતા. પરંતુ, ડિજિટલ લેઝર શોના કારણે હવે ભક્તો ડુંગર પર માતાજીની પ્રતિકૃતિ નિહાળી શકશે. લેઝર લાઈટના કારણે ડુંગરની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.

કોરોના વાઈરસના ડરના કારણે લોકોના સ્વાસ્થ્ય અંગે વિચાર કરીને ચામુંડા માતાજીનું મંદિર આસો માસના નોરતામાં બંધ રાખવામાં આવ્યું હતું અને હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને ચામુંડા માતાજીના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે.જેને લઈને ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા રાત્રિના સમય પર સૌ પ્રથમવાર લેઝર લાઈટના ઉપયોગથી માતાજીની કૃતિના લોકો દર્શન કરી શકે તે અંગે ટ્રસ્ટ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ લેઝર લાઈટથી હાઇવે પર પસાર થતા વાહનચાલકોને રાત્રીના સમયે માતાજીના ડુંગરના દર્શન કરવાનો લોકોને અનેરો લ્હાવો મળે તેવી સુંદર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.અને આ લેઝરલાઈટ લાખો રૂપિયાના ખર્ચે બનનારી લેઝરલાઈટ હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.અને ઘણા સમય બાદ ચામુંડા માતાજીના દ્વાર નોરતાના સમયે ખુલ્યા હોવાથી આ આસો માસના નોરતામાં ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે લોકો ઉમટી પડે તેવી પણ શકયતા ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...