ફફડાટ:દીપડો જુવાન થયો, શિકાર કરતા શીખતો હોય તેમ સ્થળ ફેરવતો રહી નાના શિકાર કરે છે

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામપરામાં દેખા દીધા બાદ હજુ પણ દીપડો વનવિભાગની પકડથી દૂર

વઢવાણ તાલુકાના રામપરા ગામે દીપડો જોવા મળ્યા બાદ દીપડો ફરતો ફરતો નગવાડા બાજુ જોવા મળ્યા બાદ ફુલગ્રામમાં પહોંચ્યો હતો. જ્યાં મારણ કરતા તેના સગડ મળ્યા હતા. આથી વન વિભાગે ફુલગ્રામમાં ધામા નાખી સ્થાનિકોની મદદથી દીપડાનું લોકેશન મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.વઢવાણના રામપરા ગામની સીમમાં ખેડૂતોને દીપડાના પગના નિશાન અને મારણ કર્યાના આધારે ફોરેસ્ટ વિભાગે રામપરા ગામે ધામા નાખ્યા હતા. પરંતુ તે હાથ આવ્યો ન હતો. થોડા દિવસ બાદ મૂળી નગવાડા આસપાસ આંટાફેરાના સમાચાર બાદ રવિવારે ફરી ફુલગ્રામ પાસે મારણ કર્યાના સમાચારને લઇ વન વિભાગ ટીમ દોડતીથઇ છે.

આ અંગે આરએફઓ મનુભાઇ મેરે જણાવ્યું કે રામપરા ગામ સીમમાં પગના નિશાન મળ્યા પછી આ દીપડો ફરી ફુલગ્રામમાં શ્વાનનું મારણ કર્યાનું ધ્યાને આવતા ટીમ તપાસ માટે મોકલી છે. આ દીપડો જુવાન થયે ટોળામાંથી અલગ થઇ શિકાર કરતા શીખતો હોય તેમ સ્થળ ફેરવતો રહી નાના શિકાર બનાવે છે. તેનું લોકેશન મેળવવા સ્થાનિક લોકો, તેના વિસ્તારમાં ફરવાની રીત, મારણ કરવાની રીત સહિતની વિગતો મેળવી ટીમ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. લોકેશન મળ્યે પાંજરું મૂકાશે. દીપડો રાત્રી દરમિયાન નિકળતો હોવાથી કોઇને ધ્યાને આવતો નથી આ પ્રાણીને જળનો સ્ત્રોત, વીડ વિસ્તાર વધુ અનુકૂળ આવે છે.

અન્ય સમાચારો પણ છે...