ગુજરાતમાં લઠ્ઠાકાંડના મામલે બોટાદ અને બરવાળા તાલુકામાં 36 લોકો મોતના ખપ્પરમાં ધકેલાયા છે. ત્યારે પાટડી તાલુકાના ખારાઘોડામાં મીઠું પકવતા અગરીયાઓ અને મીઠા કામદારો દેશી દારૂના વ્યસનના કારણે નાની ઉંમરે જ મોતને ભેટે છે. આજે એકમાત્ર ખારાઘોડામાંમાં 500થી વધુ અગરિયા મહિલાઓ વિધવા હોવાની અત્યંત ચોંકાવનારી હકીકતો સામેં આવી છે. ખારાઘોડામાં આજેય દેશી દારૂની 32 જેટલી ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો ખારાઘોડાના પૂર્વ સરપંચે આક્રોશ સાથે જણાવ્યું હતુ. ત્યારે આજેય 18મી સદીમાં જીવતી અગરિયા મહિલાઓના લલાટે આજેય સર્વે નંબર શૂન્ય જ લખાયેલો છે.
ખારાઘોડામાં 32 દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો આક્ષેપ
આઝાદીના 75 વર્ષ પછી પણ રાજ્ય સરકાર મુજબ અા સમગ્ર રણ વિસ્તારનો કોઇ સર્વે થયેલો નથી. અને સર્વે ન થયેલો હોઇ અા વિસ્તારનો કોઇ સર્વે નંબર જ નથી. સર્વે નંબર શૂન્ય તરીકે ઓળખાતા આ વિસ્તારનું બધુ જ શૂન્ય છે.. ભારતીય બંધારણથી અપાયેલા નાગરિકના મુળભૂત અધિકારો પણ. આજે જ્યારે ગુજરાતમાં લઠ્ઠાકાંડના મામલે બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 36 લોકોના અકાળે મોત નિપજ્યા છે. અને 30થી વધારે વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે દિવ્યભાસ્કરની ટીમેં રણવિસ્તારના ખારાઘોડાની મુલાકાત લેતા કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.
દારૂની લતના કારણે યુવાનોના નાની ઉંમરે થાય છે મોત
અભણ અને પછાત અગરિયાઓ અને મીઠા કામદારોમાં દારૂની લતના કારણે મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા કામદારો ભરયુવાનીમાં જ અકાળે મોતને ભેંટતા એમનું સરેરાશ આયુષ્ય માત્ર 50 વર્ષનું જ હોય છે.આથી હાલમાં એકમાત્ર ખારાઘોઢામાં 500થી વધુ અગરીયા વિધવા મહિલાઓ મોજુદ છે.
જેમાં ખારાઘોઢા નવાગામની અગરીયા મહિલા ચંપાબેન મંગાભાઇની કરૂણ દાસ્તાન તો એ છે કે, એમનો ધણી મંગાભાઇ વિરજીભાઇ થોડા સમય અગાઉ અકાળે મોતને ભેટ્યો હતો. એના થોડા દિ' બાદ આ વિધવા મહિલાનો દીકરો રણમાં દાઝી જતા મોતને ભેટ્યો હતો. એના થોડા સમયમાં જ એના સસરા વિરજીભાઇ પણ મોતને ભેંટતા ત્રણેય પેઢી વિધવા થતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યુ હતુ. ખારાઘોડાના પૂર્વ સરપંચ ગોરધનભાઇ રાફૂચાએ આક્રોશ સાથે જણાવ્યું કે, ખારાઘોડામાં આજેય દેશી દારૂની 32 જેટલી ભઠ્ઠીઓ ધમધમી રહી છે. થોડા સમય અગાઉ ગ્રામજનોની રજૂઆત બાદ ગામમાં દારૂની બદી બંધ થઇ ગઇ હતી. અને હવે પાછી ખારાઘોડા નવાગામ અને સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની 32 જેટલી ભઠ્ઠીઓ ધમધમી રહી છે. મીઠા કામદારો રોજ મજૂરી કરી રોજનુ કમાઇને સાંજે થાકીને દેશી દારૂ ઢીંચીને રસ્તા પર પડ્યાં પાથર્યા રહે છે. અને દારૂની લતના કારણે ભરયુવાનીમાં અકાળે મોતને ભેંટતા હોય છે. ત્યારે આજેય 18મી સદીમાં જીવતી અગરીયા મહિલાઓના લલાટે આજેય સર્વે નંબર શૂન્ય જ લખાયેલો છે.
રોગચાળો ડામવા ખારાઘોડામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પ્રયોગ આઝાદી પહેલા અંગ્રેજો દ્વારા અમલી
મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા ખારાઘોડામાં આઝાદી પહેલા અંગ્રેજોએ રોગચાળાને વધતો ડામવા સોશિયલ ડિસ્ટન્સિંગનો પ્રયોગ અમલી બનાવી પ્રચંડ સફળતા મેળવી હતી. ખારાઘોડા સ્ટેશન ખાતે આવેલી અંગ્રેજોએ બનાવેલી 'રાંકા લાઇન'માં સામ સામેં કુલ 52 કોટડીઓ બનેલી હોવાથી હાલમાં આ રાંકાલાઇન 52 કોટડીથી ઓળખાય છે. ત્યારે અંગ્રેજો રોગચાળાથી પિડીત અગરિયા અને મીઠા કામદારને આ રાંકાલાઇનમાં રાખતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.