સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં સારવાર માટે અનેક વિભાગો આવેલા છે. ત્યારે આ કોલેજમાં નોંધાતી ઓપીડીમાંથી વધુમાં વધુ ટીબીના કેસ શોધવા માટે કોર કમિટીમાં કોલેજના ડીન દ્વારા આદેશો કરવામાં આવ્યા હતા. કોલેજની ઓપીડીમાં રોજના 50થી 60 દર્દી આવે છે. બીજી તરફ 2025માં ટીબીને નાબુદ કરવાના આહ્વાનને લઇને આ આદેશો કરાયા હોવાનું બહાર આવ્યુ હતુ.
ભારત સરકાર દ્વારા ટીબીને 2025 સુધીમાં નાબૂદ કરવા આહ્વાન કરાયું છે. 4-8-2021ના રોજ સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે કોર-કમિટીની મીટિંગમાં કોલેજના ડીન તેમજ સુપ્રિન્ટેડન્ટના અધ્યક્ષસ્થાને દરેક વિભાગના હેડ સહિતનાને બોલાવીને ટીબી રોગ વિશે વિગતવાર ચર્ચા કરાઈ હતી. ટીબીના કેસો ઓપીડીમાંથી વધુમાં વધુ મળી રહે તે માટે દરેક ડિપાર્ટમેન્ટને રિફર રજિસ્ટ્રર નિભાવવા માટેની સૂચના આપી હતી. ટીબીના તમામ દર્દી સરકારીની ગાઇડલાઇન મુજબ નોટિફાઇડ કરાવવા ફરજિયાત હોવાથી તમામ ડિપાર્ટમેન્ટને ટીબીના દર્દી ડાયગ્નોઝ થાય તો તુરંત સરકારની ફોરમેટ મુજબ નોટિફિકેશન આપવા માટે આદેશો કરાયા હતા. બીજી તરફ જિલ્લામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાંથી દર 3 માસમાં અંદાજે 900 જેટલા ટીબીના દર્દીઓ ધ્યાને આવે છે.
શંકાસ્પદ કેસ પર ‘ફાસ્ટ ટ્રેકિંગ’નો સિક્કો
સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર લેવા માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલમાં આવે છે. ત્યારે જિલ્લાના ક્ષયમુક્ત કરવાના હેતુને લઇને જિલ્લા ક્ષય અધિકારી દ્વારા મેડિકલ કોલેજની જનરલ ઓપીડીમાં ટીબીનો શંકાસ્પદ દર્દી જણાય તો તેના કેસ પેપર પર લાલ કલરનો ‘ફાસ્ટ ટ્રેકીંગ’નો સિક્કો મારવા પણ જણાવવામાં આવ્યું હતું. તેમજ તેમના દ્વારા ટીબીના તમામ દર્દીને મળતી ‘નિક્ષય પોષણ યોજના’ તેમજ ડોક્ટરોને મળતી ઇન્સેન્ટિવ યોજના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
દરેક વિભાગમાં ટીબીનું સ્ક્રિનિંગ થશે
સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં અંદાજે 6થી 7 જેટલા જુદા જુદા વિભાગો આવેલા છે. ત્યારે આ કોલેજના પલ્મોનરી, મેડિસિન, સ્ક્રીન, ઇ.એન.ટી., પી.એસ.એમ, ઓર્થોપેડિક, ઓપ્થોલોજિક સહિતના વિભાગોમાં સારવાર માટે આવતા દર્દીઓનું ફરજ પરના તબીબી દ્વારા ટીબી માટે સ્ક્રિનિંગ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.