જિલ્લામાં અખાત્રીજના પવિત્ર દિવસનું ધાર્મિક મહત્ત્વ તો છે જ પરંતુ તેની સાથે સાથે આ દિવસે સોનાની ખરીદીનું પણ વિશેષ મહત્ત્વ છે. આથી જ આજના દિવસે જિલ્લામાં અંદાજે રૂ.1 કરોડના સોનાની ખરીદી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જિલ્લામાં અખાત્રીજના દિવસે ખાસ કરીને સોનાની દુકાનોમાં સોનું ખરીદવા માટે અનેક લોકો આવ્યા હતા. ગત અખાત્રીજે કોરોનાનો કપરો સમય ચાલતો હતો.
અને આથી લોકો પાસે હાથ પર પૈસાની અછત તો હતી જ પરંતુ સાથે સાથે હજુ આગળ કોરોના કેવો કેર વરતાવશે તેની કોઇને ખબર ન હોઈ લોકોએ અખાત્રીજના દિવસે સોનાની ખરીદીમાં ઓછો રસ લીધો હતો. આથી અંદાજે રૂ.15થી રૂ.20 લાખ જેટલું જ સોનુ વેચાયું હતું. પરંતુ વર્તમાન સમયે તો બજારો રાબેતા મુજબ થઇ ગઇ છે. કોરોનાનો ભય દૂર થઇ ગયો છે. અને રૂપિયાનું ટર્નઓવર ફરી ચાલુ થઇ ગયું છે. અને આથી જ આ અખાત્રીજે જિલ્લામાં અંદાજે રૂ.1 કરોડના સોનાની લોકોએ ખરીદી કરી હતી. સોનાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં ઘણી વધ ઘટ થઇ છે. તેમાં પણ 2 દિવસથી ભાવ થોડા ઉતરતા લોકોએ ખરીદીમાં વિશેષ રસ દાખવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.