સુરેન્દ્રનગરના દુધરેજ રોડની વર્ધમાનનગર કો. ઓપરેટીવ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. જેમાં વિસ્તારમાં જૈન પરીવારો રહેતા હોવાથી વિધર્મી લોકો આવીને વસે તો અલગ રીતભાત અને ખાનપાનના કારણે મુશ્કેલી થવાની રજૂઆત ત્યાંના રહીશો દ્વારા કરાઈ હતી. આથી આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા તેમણે માંગ કરી હતી. જો તેમ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી હતી.
સુરેન્દ્રનગરના દુધરેજ રોડ રામ કુટીરપાસે આવેલી લવજીભાઇ તુલશીભાઇ વર્ધમાનનગર કો. ઓપરેટીવ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.જેમાં સ્થાનિકો દ્વારા જૈન સિવાય કોઇને સભાસદ ન બનાવવા નક્કી કરાયું છે. અહીં 100 ઘરોમાં જૈન લોકો રહે છે. આ સોસાયટીની જમીન જૈન દાતા તરફથી દાન મળતા સરકારી લોનથી સાધારણ જૈન પરીવારોએ બાંધકામ કર્યુ છે. અહીં સાધુ-સાધ્વીઓ પધારી ભોજન મેળવતા હોય છે.
આ સોસાયટીના 6 જેટલા મકાન અમુક સદસ્યોને લાલચ આપી લેવામાં વિધર્મીઓ સફળ થયા હોય અને બીજા મકાન ખરીદવાની પણ કોશીશ કરી રહ્યા હોવાના આક્ષેપો કરાયા છે. આથી આસપાસ રહેતા જૈન પરીવારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જો સોસાયટીમાં વિધર્મી લોકો રહેવા આવે તો તેમની અને અમારી રહેણી કહેણી અને ખાનપાન અલગ હોવાથી મુશ્કેલી પડે તેવી રજૂઆત તેમના દ્વારા કરાઈ હતી.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે મકાન વેચીને હિજરત કરવાનો સમય આવે અને વિધર્મી સસ્તા ભાવે મજબુરીનો લાભ લઇ મકાન પડાવી લે તેવી સ્થિતિ ભવિષ્યમાં પેદા થાય તેમ છે. દેશમાં ધાર્મિક સ્વતંત્રતા તમામ ધર્મોને બંધારણે બક્ષી છે. જૈન સમાજ બંધારણને અનુસરે છે. આથી વહેલી તકે અશાંત ધારો લાગુ કરવા માંગ છે. જો તેમ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.