સુરેન્દ્રનગર જિલ્લામાં આગણવાડી વર્કર, હૅલ્પરની 279 જગ્યા તથા મિનિ આંગણવાડી કેન્દ્ર માટે 2 મળી કુલ 281 જગ્યાની ભરતીપ્રક્રિયા વિવાદમાં સમપડાઈ છે. જિલ્લામાંથી આવેલી કુલ 440 અરજીમાંથી 165 અરજી રદ કરાતાં અરજદારોએ ભરતીપ્રક્રિયા રદ કરીને નવેસરથી ભરતી કરવા રોષપૂર્વક માગણી કરી છે. વધુમાં તેમ નહીં કરાય તો સ્ટે લાવવા અને ગાંધીનગર સુધી જવાની ચીમકી આપી હતી.
જિલ્લામાં આંણવાડી વર્કર, આંગણવાડી હૅલ્પરની ભરતીનું આયોજન કરાયું હતું. તા. 14 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન લોકો પાસેથી વર્કરની 107 જગ્યા અને હૅલ્પરની 172 જગ્યા અને મિની આંગણવાડી કેન્દ્ર માટે 2 જગ્યા મળીને કુલ 281 જગ્યા માટે અરજી મગાવાઈ હતી.
જિલ્લામાંથી 440થી વધુ અરજી આવી હતી, જે પૈકી 281 અરજી પસંદ કરાઈ હતી જ્યારે 165 અરજી રદ કરાઈ હતી. અરજી રદ કરવાનાં કારણ જણાવવા અને વેરિફિકેશન માટે અરજદારોને ગુરુવારે જિલ્લા પંચાયત કચેરી ખાતે આરોગ્ય વિભાગના આઇસીડીએસ વિભાગ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. અરજી રદ થતાં અરજદારોમાં કાર્યવાહી પ્રત્યે રોષ ફેલાયો હતો અને અરજી રદ થવા અંગે હોબાળો મચાવ્યો હતો.
જ્યારે ભરતીમાં લાગતાવળગતાને ગોઠવી દેવાયાના આક્ષેપ સાથે ભરતી રદ કરવાની તથા ફરીથી ભરતી હાથ ધરવા માગ કરી હતી. જો તેમ નહીં કરાય તો સ્ટે લાવવા તથા ગાંધીનગર સુધી જવાની ચીમકી અપાઈ હતી.
વારંવાર અરજી કરીએ છીએ, દર વખત રદ થાય છે
અમારી દીકરીને દર વખત અરજી કરાવીએ છીએ પરંતુ દર વખત અરજી રદ થાય છે. એક-બે વાર રીજેક્ટ થાય તો માનીએ પણ દર વખત રીજેક્ટ થાય છે. જો લાગતાવળગતાને જ લેવાના હોય તો ગરીબો પૈસા ભરીને શા માટે અરજીઓ કરાવો છો. આની કરતાં ફોર્મ ભરાવવાનું જ બંધ કરી દો કાં ના જ પાડી દો. ગરમીના ગામડેથી અહીં સુધી ધક્કા તો ન ખાવા પડે. - જશુબહેન ઉકડિયા, અરજદારનાં માતા
અરજીમાં ભૂલ થઈ છે પણ કઈ, એ કહેતા નથી
અમોએ આંગણવાડીમાં ભરતી બહાર પડતાં અરજી કરી હતી. અમોને અરજી રીજેક્ટ થઈ છે તેમ જણાવી તેનું કારણ જણાવવા બોલાવવામાં આવ્યા છે. તમામ કામો મૂકીને બાળકો સાથે ગરમીમાં અહીં આવ્યાં તો તમારી અરજીમાં ભૂલ છે, એવું કહે છે પણ શું ભૂલ છે, એ જવાબ આપવા રાજી નથી. મેરીટ માટે જરૂરી અભ્યાસ કરતાં વધુ માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ બતાવ્યો છતાં રીજેક્ટ કરાઈ છે. ભરતીમાં તપાસ માટે માંગ કરીશું. સ્ટે લાવીશુ. ન્યાય માટે છેક ગાંધીનગર જવું પડે તો જઈશું. - મોરી હિતાક્ષીબહેન, અરજદાર
ઓછા મેરીટવાળાને ગોટાળો કરી ભરતી કરી અમારી સાથે અન્યાય કરાયો છે
આંગણવાડીમાં ભરતી આવી પૈસા ખર્ચી હોવાથી ઓનલાઇન અરજી કરી હતી, જેમાં અમોને નોકરી મળશે તો પરીવારને મદદરૂપ થવાની આશા હતી પરંતુ મારી અરજી રીજેક્ટ કરવામાં આવી. જરૂરી તમામ લાયકાત ધરાવતા હોવા છતાં અરજી રીજેક્ટ થઈ છે. અમારા કરતાં ઓછા મેરીટવાળાને પણ ગોટાળા કરી ભરતી કરી લઈ અન્યાય કરવામાં આવ્યો છે. આથી ભરતી રદ કરી ફરી વાર તટસ્થ રીતે ભરતીપ્રક્રિયા હાથ ધરવા માંગ છે.’ - પુષ્પાબહેન પરમાર, દિવ્યાંગ અરજદાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.