વિવાદ:આરોગ્ય વિભાગે કરેલી તપાસમાં વાયલ મળ્યા તે સ્થળ નક્કી થયું નથી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં સુરેન્દ્રનગરના નામે ફોટા ફરતા થતા વિવાદ

સુરેન્દ્રનગર જિલ્લાની આરોગ્યની કચેરી આજુબાજુ કોરોનાની વેક્સિનના વાયલ ઉકરડામાં મળી આવ્યા હોવાની વિગત સાથેના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. જેને પગલા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.

સોશિયલ મીડીયામાં ઉકરડામાં વેક્સિન પડી હોવાનો ફોટો ફરતો થયો હતો. જેમાં એવી વિગતો જણાવવામાં આવી હતી કે જિલ્લાની સરકારી કચેરી પાસેથી વેક્સિનનું ભરેલુ વાયલ મળ્યું હોવાની વિગતો ફરતી થઇ હતી. પરંતુ જિલ્લાની કઇ આરોગ્ય કચેરી પાસેથી આ વાયલ મળી આવ્યું તેની કોઇ સ્પષ્ટતા કરાઈ ન હતી. પરંતુ બનાવની ગંભીરતા પામીને આ મામલે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. જેમાં આ જગ્યા સુરેન્દ્રનગરની છે કે નહીં અને વાયલ ભરેલું છે કે ખાલી તેની કોઇ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ફોટા સાથેના મેસેજે ચકચાર જગાવી છે. ઘણીવાર અન્ય જગ્યાના ફોટા અને વીડિયો બીજી જગ્યાના સ્થળ સાથે સોશિયલ મીડિયામાં ‌ફરતા હોવાનું બહાર આવેલું છે.

આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણિકુમાર પ્રસાદે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં ફરતો ફોટો અને વિગત અમારી પાસે શનિવારે આવી હતી. આ બાબતે હજુ સુધી કોઇ સ્થળ સ્પષ્ટ થયું નથી. તેમ છતાં સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે. તપાસના અંતે ખબર પડે કે આ ફોટા ખરેખર સુરેન્દ્રનગરના છે કે અન્ય કોઇ જગ્યાના ફોટાને કોઇએ સુરેન્દ્રનગરના નામે સોશિયલ મીડિયામાં ફરતા કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...