સભા સ્થળમાં બદલાવ:પાટડીમાં સ્ટ્રોંગરૂમ નજીક જ અમિત શાહની સભાનું આયોજન કરાયું, અપક્ષ ઉમેદવારની રજૂઆત બાદ સ્થળ બદલવું પડ્યું

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા

પાટડી ખાતે આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ સભા કરવા આવવાના છે. ત્યારે પાટડીમાં ગૃહમંત્રી અમિત શાહની સભામાં અપક્ષ ઉમેદવારની ચૂંટણી અધિકારીને આચારસંહિતાના ઉલ્લંઘનની રજૂઆત બાદ સભાસ્થળ બદલવાની ફરજ પડી છે. પહેલા શ્રી સુરજમલજી હાઇસ્કુલમાં સ્ટ્રોંગ રૂમ પાસે સભા થવાની હતી. જે હવે સભાસ્થળ બદલીને ત્યાંથી થોડે દૂર ખુલ્લા મેદાનમાં યોજાશે.

દસાડા વિધાનસભા સીટ પર આ ચૂંટણીમાં ભાજપના પી.કે.પરમાર, કોંગ્રેસના નૌશાદ સોલંકી અને આમ આદમી પાર્ટીના અરવિંદ સોલંકી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. ત્યારે બુધવારે પાટડીની શ્રી સુરજમલજી હાઇસ્કુલના મેદાનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ સભા કરવા આવી રહ્યાં છે. જેની ભાજપ પક્ષ દ્વારા મંડપ બાંધવા સહિતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને પાટડીની સુરજમલજી હાઇસ્કુલ જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત, ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત સહિત સઘન પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.

ત્યારે પાટડીમાં ગૃહમંત્રી અમિત શાહની સભામાં દસાડા 60 વિધાનસભાના અપક્ષ ઉમેદવાર આનંદ રાઠોડની ચૂંટણી અધિકારી એવા પ્રાંત કલેક્ટર ભાવનાબા ઝાલાને સ્ટ્રોંગરૂમ પાસે આવડી મોટી જનસભાથી આચારસંહિતાના ઉલ્લંઘનની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ તંત્ર દ્વારા સભાસ્થળ બદલવાની ફરજ પડી છે. પહેલા શ્રી સુરજમલજી હાઇસ્કુલમાં સ્ટ્રોંગ રૂમ પાસે સભા થવાની હતી. જે હવે સભાસ્થળ બદલીને ત્યાંથી થોડે દૂર ખુલ્લા મેદાનમાં યોજાશે. આ અંગે અપક્ષ ઉમેદવાર આનંદ રાઠોડે જણાવ્યું કે, પહેલા સ્ટ્રોંગરૂમની સામે મેદાનમાં અમિત શાહની સભા યોજાવાની હતી. જે અંગે મેં આચારસંહિતાના ઉલ્લંઘનની ચૂંટણી અધિકારી સહિત સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને રાજ્ય ચૂંટણી આયોગને લેખિત રજૂઆત કર્યા બાદ હવે સભાસ્થળ થોડા દૂર ખુલ્લા મેદાનમાં કરવામાં આવ્યું છે.

પાટડીના વધુ એક વ્યક્તિએ અમિત શાહની સભા રદ કરવા લેખિત અરજી કરી
પાટડીની શ્રી સુરજમલજી હાઇસ્કુલમાં દેશના ગૃહમંત્રી અમિત શાહની આજે જાહેર સભા યોજાવાની છે. જે અંગે પાટડીના નરેશભાઇ તેજાભાઇ મકવાણાએ પણ ચૂંટણી અધિકારીને ઇવીએમ મશીન જ્યાં રાખવાના છે એ સ્ટ્રોંગ રૂમની 200 મીટરના એરીયામાં કોઇ રાજકીય પક્ષ કોઇ કાર્યવાહી કરી શકે નહીં છતાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી પાટડીના વધુ એક વ્યક્તિએ અમિત શાહની સભા રદ કરવા લેખિત અરજી કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...