ચૂંટણી જાહેર ન થતાં ઉમેદવારો નિરાશ:ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાની અટકળો વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ટલ્લે

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાની અટકળો વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ટલ્લે - Divya Bhaskar
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાની અટકળો વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ટલ્લે
  • સુપ્રીમ કોર્ટ દ્વારા ઓબીસીની જનસંખ્યાને આધારે ફરી બેઠકોનો પ્રકાર નક્કી કરવા આદેશ
  • ચૂંટણી પંચના આદેશ મુજબ જિલ્લાની 32 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર મુકવામાં આવશે

સુરેન્દ્રનગર જિલ્લાની 540 ગ્રામ પંચાયતોમાંથી ગત ડિસેમ્બર માસમાં 497 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે બાકી રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી મે-જુન માસમાં આવનારી હોવાની અટકળો થઈ રહી હતી. પરંતુ સ્થાનિક સ્વરાજ્યના મૂળ સમાન એવી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર ન થતા અને તેમાં વહીવટદાર મુકવાના આદેશ થતા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી છે. ચૂંટણી પંચના આદેશ મુજબ જિલ્લાની 32 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર મુકવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં ગત ડિસેમ્બર માસમાં સ્થાનિક સ્વરાજ્યના મુળ ગણાતા એવી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની 497 ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી થઈ હતી. ત્યારે મુદત પુરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી મે-જુનમાં આવનારી હોવાથી ઉમેદવારો તેમની તૈયારીઓમાં લાગી ગયા હતા. ત્યારે રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર ન કરી હાલ મુદત પુરી થઈ હોય અને જૂન પહેલા થવાની હોય તેવી ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસન મુકવા આદેશ કર્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની 32 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસન આવનારૂ છે.

આ 32 ગ્રામ પંચાયતોમાં સૌથી વધુ ગ્રામ પંચાયતો વઢવાણ તાલુકાની 8 છે. રાજ્ય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ દ્વારા ઓબીસીની જન સંખ્યાના આધારે ફરી બેઠકોનો પ્રકાર નકકી કરવા આદેશ કરતાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર ન થઈ તેવું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજવા માટે ગ્રામ પંચાયતોની ચૂંટણી ટલ્લે ચડી તેવું રાજકીય પંડીતો જણાવી રહ્યા છે. કારણ જે હોય તે પરંતુ હાલ જિલ્લાની 32 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસન આવનારૂ છે. તેમજ આ 32 ગ્રામ પંચાયતોમાં ગામના રાજા એવા સરપંચ અને સભ્ય બનવા ઉમેદવારોએ હજુ રાહ જોવી પડશે. હાલ તો જિલ્લાની 32 ગ્રામ પંચાયતોમાં ઓછામાં ઓછુ 6 માસ સુધી વહીવટદાર શાસન રહે તેમ લાગી રહ્યુ છે.

સરપંચની દરેક સત્તા વહીવટદાર તલાટી પાસે આવશેસામાન્ય રીતે તો ગ્રામ પંચાયતમાં તલાટી અને સરપંચની સત્તાઓ અલગ-અલગ હોય છે. પરંતુ વહીવટદાર શાસન આવતા ગામના સરપંચની દરેક સત્તા વહીવટદાર તલાટી પાસે આવનારી છે. જો કે, વહીવટદાર શાસનથી વિકાસના કોઈ કાર્યમાં વિક્ષેપ પડશે નહી. પરંતુ વહીવટદાર નિયમીત ગ્રામ પંચાયતમાં હાજર ન રહે તો ગ્રામજનોને મુશ્કેલી પડી શકે છે. આ ઉપરાંત ગામના તલાટીને વહીવટદાર તરીકે આવેલા અન્ય તલાટી સાથે સંકલન સાધીને કાર્યો કરવા પડશે.

જે ગામના તલાટી હશે તેને વહીવટીદાર તરીકે નહી મુકાયગ્રામ પંચાયતોમાં વહીવટદાર મુકવા પહેલા તાલુકા પંચાયતના વર્ગ-2ના કર્મીઓના ઓર્ડરો થવાના હતા. ત્યારબાદ તેમની જગ્યાએ તલાટીઓને મુકવા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ઓર્ડરો થયા છે. જેમાં જે-તે ગામમાં ફરજ બજાવતા તલાટી કે ચાર્જ સંભાળતા તલાટી સિવાયના અન્ય ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને વહીવટદાર તરીકે મુકવામાં આવશે.

171 તલાટીઓની આંતરિક બદલી થતા વહીવટદારની નિમણુંકો પાછી ઠેલાઈરાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ આશિષ વાળાએ તા. 27 એપ્રિલના રોજ પરીપત્ર જાહેર કરી તલાટીઓને ગ્રામ પંચાયતના વહીવટદાર બનાવવા કહ્યું હતું. બીજી તરફ તા. 30 એપ્રિલના રોજ જિલ્લાના 171 પંચાયત તલાટી કમ મંત્રીના આંતરિક બદલીના ઓર્ડરો થયા હતા. આમ બદલીના ઓર્ડરો થતા વહીવટદારની નિમણુંક કરવાની કાર્યવાહી નવેસરથી કરવાનો વારો આવ્યો છે.

અગાઉ તાલુકા પંચાયતના કર્મીને વહીવટદાર મુકવા આદેશ થયા હતાગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર ન થતા રાજ્ય ચૂંટણી પંચે મુદત પુરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોમાં તાલુકા પંચાયતના વર્ગ-2ના અધિકારીઓને વહીવટદાર મુકવા આદેશ કર્યા હતા. જેમાં વિસ્તરણ અધિકારી, આંકડા મદદનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક સહીતનાઓને વહીવટદાર મુકવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. પરંતુ ત્યાર બાદ તલાટીઓને વહિવટદાર મુકવા આદેશ થતા ફરી નવેસરથી કાર્યવાહી હાથ ધરાઈ છે.

સૌથી વધુ વઢવાણ તાલુકાના 8 ગામોમાં વહિવટદાર શાસન આવશેસુરેન્દ્રનગર જિલ્લાની 32 ગ્રામ પંચાયતોમાં વહિવટદાર શાસન આવનારૂ છે. જેમાં સૌથી વધુ ગ્રામ પંચાયતો વઢવાણ તાલુકાની છે. વઢવાણ તાલુકાની 8 ગ્રામ પંચાયતોમાં વહિવટદાર શાસન આવશે. ત્યારબાદ લીંબડીમાં 7, પાટડી અને મૂળીમાં 4, ધ્રાંગધ્રા અને ચોટીલામાં 3, સાયલાની 2 અને થાનની 1 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર મુકાશે. જિલ્લાના લખતર અને ચૂડા તાલુકાની એક પણ ગ્રામ પંચાયતોનો સમાવેશ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...