આયોજન:અપૂરતાં સાધનો અને સ્ટાફ ન હોવાથી અરજદારોને પરત ફરવું પડ્યું હોવાની રાવ

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાતા કેટલાક અરજદારોને લાભ ન મળતા રોષ. - Divya Bhaskar
સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાતા કેટલાક અરજદારોને લાભ ન મળતા રોષ.
  • સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા શનિવારે વઢવાણમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂરતા સાધનો ન હોવાના કારણે અરજદારોને ધરમધક્કો અને કચેરીએ આવવાનું કહેતા રોષ ફેલાયો હતો. બીજી તરફ અંદાજે રૂ. 70,000ના ખર્ચે કરાયેલા આ કાર્યક્રમમાં અરજદારોને સેવાના લાભ મળ્યો ન મળ્યો હોવાની રાવ ઉઠી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં આધાર કાર્ડ, આવકના દાખલા, જન્મ મરણના પ્રમાણપત્ર અને અમૃતમ કાર્ડ, રેશનકાર્ડ સહિતના અનેક કામો સ્થળ ઉપર થાય તે માટે સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શનિવારે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા દ્વારા વઢવાણ શહેરમાં વોર્ડ નં. 12, 13ના રહીશો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લેવા આવ્યા હતા. પરંતુ સેવામાં અરજદારોને કોઇ સેવાનો લાભ ન મ‌ળતા અકળાયા હતા. બીજી તરફ ઓછો સ્ટાફ, અપૂરતા સાધનો તેમજ કામગીરી માટેના કમ્પ્યૂટર સહિતના સાધનો વગર જ કાર્યક્રમ યોજાયો હોવાની લોકોમાં રાવ સાથે રોષ ફેલાયો હતો. આ ઉપરાંત 4.30 કલાકે જ ટેબલ,ખુરશી સહિતના સામાન ભરી લેવામાં આવ્યો હોવાની તેમજ આ કાર્યક્રમમાં મોટા ભાગના અધિકારીઓ હાજર ન હોવાની ફરિયાદો પણ ઊઠી હતી. ચુડા તાલુકાના ઝોબાળા ગામે એક સાથે 6 ગામોને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં આધાર કાર્ડ, રેશનકાર્ડ, વૃધ્ધા સહાય, વિધવા સહાય, જાતિ અંગેના દાખલા, વિધુત પ્રવાહ મેળવવા અંગે, પશુઓને લગતા પ્રશ્નો તેમજ ખેડૂત વર્ગને ખેતી વિષયક સેવાઓ સાથે ખેતરના સેઢા પર વૃક્ષારોપણ માટે રોપા વિતરણનું આયોજન જંગલ ખાતા તરફથી ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કુલ 2922 અરજદાર અરજી કરી તમામ અરજીઓની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ચુડા ઈન્ચાર્જ મામલતદાર વી.આર. શુકલ દ્વારા કાર્યક્રમનું દીપ પ્રાગટ્યુ કરાયું હતું. જ્યારે ટીડીઓ, જિલ્લા સદસ્ય તનકસિંહ, ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ શેખ, તાલુકા ભાજપ મહામંત્રી શિવુભા રાણા, આઈસીડીએસ ઘટકના સીડીપીઓ, દિલીપસિહ પરમાર, દર્શનભાઈ, વોરા સતિષભાઈ, હરદેવસિહ તેમજ અન્ય કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.

740 અરજી આવી તે તમામનો નિકાલ કરાયો
વઢવાણના સેવાસેતુ કાર્યક્રમમાં સવારે 10થી 2 કલાક દરમિયાન અરજીઓ લેવાઈ અને 2થી 5 કલાક સુધીમાં અરજીઓનો નિકાલ કરાયો હતો. ઓછા સ્ટાફ અને કીટના કારણે થોડી મુશ્કેલી ઊભી થઇ હતી. 2 વાગ્યા પછી આવેલા અરજદારોને પાછા જવું પડ્યું હોવાથી 2 વાગ્યા પછી નવી કોઇ અરજી લેવાઈ નથી. કેટલાના ખર્ચે કાર્યક્રમ થયો તે તો હજુ બિલ પણ મૂકાયું નથી. અરજીઓનો નિકાલ થઇ ગયા બાદ સ્થળ પરથી ટેબલ-ખુરશીઓ લેવાઈ હતી. - સાગર રાડિયા, ચીફ ઓફિસર,સંયુક્ત પાલિકા

અન્ય સમાચારો પણ છે...