'ચલે રણ કી ઔર':કચ્છના નાના રણમાં વરસાદી પાણીનો ભરાવો હોવા છતા અગરિયાઓનું રણ તરફ પ્રસ્થાન

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા

દસાડા તાલુકામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠુ પકવવા જતા અગરિયાઓ ધીમી ગતિએ રણ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. રણમાં વરસાદી પાણીનો ભરાવો હોવાં છતાં અગરિયા બંધુઓ ટ્રેક્ટર મારફતે રસ્તો બનાવી રણમાં ધીમી ગતિએ પહોંચી રહ્યા છે. મીઠાના ભાવ સિઝન પહેલા આગોતરા નક્કી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની સરખામણીએ આ વર્ષે મીઠાના ભાવમાં તેજી જોવા મળી છે. જેથી રણમાં અગરિયાઓની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે.

અગરિયાઓ અનેક સમસ્યાઓનો સામનો કરી મીઠું પકવે છે
મીઠુ પકવવા અગરિયા બંધુઓ આઠ મહિના વેરાન રણમાં સમય વિતાવે છે. આ દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કરે છે. ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા, શિક્ષણ, આરોગ્ય કમોસમી વરસાદ, વાવાઝોડા અને નર્મદાના ઓવરફ્લો નીરની સમસ્યાઓ અગરિયા બંધુઓની કાયમી સમસ્યા સમાન છે. મીઠુ પકવવા જતા અગરિયાઓને સુવિધાઓ પૂરી પાડવા અનેકવાર રજૂઆતો થાય છે. છતાં સ્થિતી 'જૈ સે થે' જ રહેવા પામી છે. આ વર્ષે પીવાનું પાણી વહેલી તકે અને પુરતી માત્રામાં પીવાનું પાણી મળી રહે તથા નર્મદાના ઓવરફ્લો નીર રણમાં આવતા અટકે તેવી આશા સાથે અગરિયા બંધુઓ રણમાં પહોંચી રહ્યા છે.

અગરિયાઓની સંખ્યા વધવાની સંભાવના
દર વર્ષે મીઠાની સિઝન શરૂઆત પહેલા વેપારીઓ અને અગરિયાઓ એકઠા થાય છે અને મીઠાના આગોતરા ભાવ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે મીઠાના આગોતરા ભાવ 51 રૂપિયા નક્કી કરાતા મીઠુ પકવવા જતા અગરિયાઓની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે.

અગરિયાઓને તંત્ર તરફથી મદદ મળશે તેવી આશા
આઠ મહિનાની સિઝન દરમિયાન અગરિયા બંધુઓ પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ અને રણમાં આવતા નર્મદાના ઓવરફ્લો નીરની સમસ્યાથી પીડાય છે. અગરિયાઓ પોતાની સાથે પીવાનું પાણી લઈ જાય છે. ત્યારે આ વર્ષે તંત્ર દ્વારા વહેલી તકે પીવાનું પાણી પહોંચાડવામાં આવે અને તેમની કાયમી સમસ્યાઓ દૂર થાય તેવી આશા સાથે રણ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...