છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે ઝઝુમતા દસાડામાં પીવાના પાણીના ટાંકી બાદ બોરનું પણ ખાતમુહુર્ત કરાતા પીવાના પાણીની સમસ્યાનો કાયમી અંત આવશે. જેમાં અગાઉ દસાડામાં પીવાના પાણીની ટાંકી માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 3.50 લાખ ફાળવાયા હતા. જ્યારે આજે મંગળવારના રોજ દસાડા ટાંકી ચોકમાં નવા બોરનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
દસાડામાં 10 હજારની વસ્તી સામે 1973માં બનાવાયેલી એક લાખ લિટરની ટાંકી ભૂકંપની કારમી થપાટ સામે ક્ષતિગ્રસ્ત થવાની સાથે ચારે બાજુએથી લિકેજ થતાં પડું પડું થવાની સંભાવના ઉભી થઇ હતી. આથી આ અત્યંત જર્જરીત ટાંકી પાસેના રહેણાંક વિસ્તારમાં મોટી જાનહાનિ અને ખુમારી સર્જાવાની આશંકા સર્જાઇ હતી. ત્યારે દસાડાની આ ક્ષતિગ્રસ્ત એક લાખ લિટરની ટાંકીની જગ્યાએ નવી મંજૂર કરાયેલી 2 લાખ લિટરની ટાંકી માટે લોકફાળાના ભરવાના થતા રૂ. 3.50 લાખ દસાડા ગ્રામ પંચાયત ભરી શકવા અસમર્થ થતા આ યોજના અભરાઇએ ચઢાવી દેવામાં આવી હતી.
ત્યાર બાદ દસાડા-લખતર વિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ પોતાની ગ્રાન્ટમાંથી રૂ. 3.50 લાખ નવી ટાંકીના લોકફાળા માટે મંજૂર કરતાં દસાડા ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. તેમજ આજે મંગળવારના રોજ દસાડા ટાંકી ચોકમાં નવા બોરનું ખાતમુહુર્ત દસાડા ગ્રામ પંચાયતના સરપંચ ત્રિકમભાઇ સોલંકી, ઉપ સરપંચ ફારૂકખાનજી મલિક, બસીરખાન મલિક અને અયુબભાઇ ખોખર સહિતના ગામ આગેવાનોએ દિનેશભાઇ મહારાજ સાથે સર્વધર્મ પ્રાર્થના કરી કરવામાં આવ્યું હતું. ત્યારે દસાડામાં પીવાના પાણીની ટાંકી બાદ નવા બોરનું પણ ખાતમુહુર્ત કરાતાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી અંત આવશે એવી સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.