મધર્સ ડે:ભાઇ અને ભાભીનું કોરોનામાં અવસાન થયા બાદ તેમના 2 સંતાન માટે હવે એક માત્ર ફૈબા જ માતા-પિતા

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાઇને ચિંતા હતી કે મારા દીકરા-દીકરીનું શું થશે? મેં કહ્યું હતું કે, હવેથી તારા બંને છોકરા મારા
  • ફૈબા સાથે રહી દીકરો-દીકરી પિતાના સારા અભ્યાસનું સ્વપ્ન પૂર્ણ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે

સુરેન્દ્રનગરમાં કોરોનાએ અનેક લોકોના ભોગ લીધા હતા. જેમાં સરકારી નોકરી કરતા પતિ અને પત્ની બંનેના કોરોનાથી મોત થતા તેમના દીકરા અને દીકરીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી દિધી હતી. પરંતુ પોતાના ભાઇને આપેલા વચનનું પાલન કરવા માટે ફૈબાએ ભાઇના દીકરા અને દીકરીને પોતાના સંતાનો બનાવી માતાનો પ્રેમ આપી ઉમદા પારિવારીક ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરેન્દ્રનગરમાં રહેતા ઉપેન્દ્રભાઇ રાવલ અને તેમના પત્ની ખ્યાતીબેન રાવલ બંને સરકારી નોકરી કરતા હતા. પરંતુ કોરોનાને કારણે પહેલા પત્ની અને તેના આઘાતમાં કોરોનાથી પતિનું અવસાન થયું હતું. આથી પરિવાર પર તો જાણે આભ ફાટ્યું હતું. તેમના દીકરા અને દીકરીએ એક સાથે માતા પિતાની છત્રછાય ગુમાવી દીધી હતી. ભાઇના બંને સંતાનોને પોતાની સાથે રાખી માતાનો પ્રેમ આપનાર ફૈલા હર્ષીદાબેન રાવલે જણાવ્યું કે પથારીમાં રહેલા મારા ભાઇ ઉપેન્દ્રભાઇને હવે મારા દીકરા દીકરીનું શું થશે તેની ચિંતા કોરી ખાતી હતી.

ત્યારે મે ભાઇને કીધું હતું કે તારા છોકરા તે મારા છોકરા છે. હું તેમને મારી સાથે રાખીને મારા સંતાનોની જેમ રાખી ભણાવીશ. આજે ભાઇની દીકરી ઉદીતી એમએસસી માઇક્રોબાયોલોજીનો અભ્યાસ પૂર્ણ કરી દીધો છે. અને પીએચડી કરવાની તૈયારીઓ કરી રહી છે. જ્યારે દીકરો વેદાંત એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યો છે. ભાઇ સાથે ખૂબ લાગણીના સંબંધો હતા અને આથી જ તેમને આપેલું વચન હું બંને સંતાનોની માતા બનીને પાળી રહી છું.

ભાઇના બંને સંતાનો પણ ખૂબ સમજદાર છે ભાઇની ઇચ્છા હતી કે તેમને ખૂબ ભણાવવા અને આથી જ ઉદીતી અને વેદાંત પણ અભ્યાસમાં ખૂબ કાળજી રાખી રહ્યા છે. તેમને પણ પિતાનું અભ્યાસનું સ્વપ્ન પૂર્ણ કરવું છે. અને હું આજીવન તેમને મારા સંતાનોની જેમ રાખીશ અને ખૂબ પ્રેમ આપીશ.

અન્ય સમાચારો પણ છે...