હોસ્પિટલમાં હોબાળો:ચોટીલામાં બાળકના જન્મ બાદ પ્રસુતાના મોતથી પરિવારજનોએ હોસ્પિટલનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડાનગરમાં આવેલી એક ખાનગી ગાયનેક હોસ્પિટલમાં ડિલિવરી કેસમાં બાળકના જન્મ બાદ માતાની તબિયત વધુ બગડતા રાજકોટ રિફર કરવામાં આવી હતી. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ રસ્તામાં મોત નિપજતા પરિવાર અને ગ્રામજનોએ આક્ષેપો સાથે હોસ્પિટલ ખાતે ઘેરાવ કરી હોબાળો મચાવી કડક કાર્યવાહીની માંગ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરની ઓચવાણી ગાયનેક હોસ્પિટલમાં દેવસર ગામના ચકુબેન પરબતભાઇ દેત્રોજા પ્રસુતિ માટે દાખલ કરાયેલા હતા. તેઓને બપોરના બાળકનો જન્મ થયા બાદ અને ચારેક વાગ્યાના અરસામાં ચકુબેનની સાથે રહેલા લોકોને રાજકોટ લઈ જવાનુ કહ્યું હતુ અને બાદમાં એમને 108 એમ્બ્યુલન્સ વાનમાં લઇ જવાયા હતા. પરંતુ રસ્તામાં ચકુબેનનું મોત નિપજતા આ બાબતે મામલો બિચક્યો હતો. અને પરિવારજનોએ મૃતકની અંતિમવિધિ કર્યા બાદ ગ્રામજનો સાથે હોસ્પિટલ ખાતે તેઓની બેદરકારીને કારણે મૃત્યુ નિપજ્યા સહિતનાં આક્ષેપ કરી કડક કાર્યવાહી કરવાની માગ કરી હોબાળો મચાવતા વાતાવરણ તંગ બન્યુ હતું.

અનેક પ્રકારનાં આક્ષેપો પરિવાર અને સાથેનાં લોકોએ કર્યા હતા. કોઇ અન્ય બનાવ ન બને તે માટે ચોટીલા પીઆઈ જે.જે.જાડેજા અને સ્ટાફ દોડી આવ્યા હતા અને લોકોને શાંત કરી સાંભળ્યા હતા. મુખ્ય ડોક્ટર હાજર નહોતા, શીખાઉ લોકોએ પ્રસુતિ કરાવેલી તેમજ ઘોર બેદરકારી દાખવેલી, ડિલિવરી બાદ બે કલાક સુધી સાથેની મહિલાઓને પણ અંદર જવા દીધેલા નહી.

છેલ્લા સમયે કેસ વધુ બગડતા હાથ ઉચા કરી રાજકોટ ધક્કો મારતા માતા મોતને ભેટે છે કડક કાર્યવાહી અને ફરિયાદ નોંધવા માગણી કરી હતી. પોલીસે રજૂઆત કર્તાને સમજાવ્યા હતા કે, મરણજનારની અંતિમવિધિ થઈ ગયેલી છે, નહી તો મોતનું કારણ જાણી શકાયું હોત. તેમ છતાં અરજી આપો તપાસ કરવાની ખાતરી આપતા સમગ્ર ટોળું વિખેરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...