હળવદ તાલુકામાં છેલ્લા એકાદ મહિનાથી હાહાકાર મચાવી રહેલા તસ્કરો ત્રણેક દિવસનો વિરામ લીધા બાદ ગઈકાલે ગુરૂવારે રાત્રે ફરી મેદાનમાં આવ્યા હતા અને હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે એક સાથે ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા. જો કે, બે મકાનમાં તસ્કરોને ફોગટ ફેરો થયો હતો. જ્યારે એક મકાનમાંથી તસ્કરો બાઈક, ચારથી પાંચ હજાર રોકડા અને માતાજીના સ્થાનકમાંથી ચાંદીના ત્રણેક સિક્કા લઈ ગયાનું સામે આવ્યું છે.
આ ચોરી અંગેની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ચોરીના બનાવો અટક્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે જુના દેવળીયા ગામે હાઈસ્કૂલની બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ ત્રિભુવનભાઈ પટેલના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘનશ્યામભાઈ ત્રિભુવનભાઈ પટેલ ગરમીને કારણે મકાનના ધાબા ઉપર સુતા હતા. ત્યારે તસ્કરોએ ઘરમાં હાથફેરો કરી ચારથી પાંચ હજાર રૂપિયા રોકડા, માતાજીના સ્થાનકમાં પૂજામાં રાખેલા ચાંદીના ત્રણ સિક્કા ચોરી જવાની સાથે જતા-જતા બાઈક પણ ચોરી કરી ગયા હતા.
વધુમાં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તસ્કરોએ ઘનશ્યામભાઈ ત્રિભુવનભાઈ પટેલના મકાન ઉપરાંત તેમના આડોશ-પાડોશમાં આવેલા બે મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંન્ને ઘરમાંથી કઈ ન મળતા તસ્કરોને ત્યાંથી ખાલી હાથે જવું પડ્યું હતું. નોંધનીય છે કે, હાલમાં હળવદ તાલુકામાં 200 જેટલા સુરક્ષાકર્મીઓ રાત્રે સઘન પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેમ છતાં તસ્કરોએ ત્રણથી ચાર દિવસના વિરામ બાદ વધુ એક ચોરીને અંજામ આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.