સુરેન્દ્રનગર જિલ્લામાં તા.12 માર્ચે કોરોના કેસ નોંધાયા બાદ જિલ્લામાં એક પણ કોરોના કેસ નોંધાયો ન હતો. ત્યારે જિલ્લામાં 87 દિવસ બાદ કોરોનાએ ફરી દેખા દીધા હતા.જેમાં ભાવનગર અને અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 2 પુરુષ વઢવાણ આવ્યા હતા. જેમને લક્ષણો જણાતા ટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. આથી હાલ બન્નેને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. જિલ્લામાં છેલ્લો કોરોના કેસ તા.12 માર્ચના રોજ ચૂડા ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો હતો. જ્યારે 23 માર્ચથી જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ જોવા મળ્યો ન હતો.
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી કુમારે જણાવ્યું કે અમદાવાદ અને ભાવનરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા આ બંન્ને વઢવાણ શહેરી વિસ્તારમાં આવેલા પુરૂષોને કોરોના પોઝીટીવ આવ્યો છે. લક્ષણો સામાન્ય હોવાથી હાલ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આમ જિલ્લામાં કોરોનાના ત્રીજી લહેરના આંકડામાં વધારો થતા કોરોના કેસનો આંક 1965 થવા સાથે જિલ્લામાં હાલ 2 એક્ટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં ગુરુવારે 257 લોકોએ રસી લીધી: સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 9 જૂનને ગુરૂવારે રસીકરણનો કુલ આંક 30,40,055 પર પહોંચી ગયો હતો. આ દિવસે 257 લોકોએ રસી મૂકાવી હતી.
જેમાં અત્યારસુધીમાં 14,62,460 લોકોએ પ્રથમ તેમજ 15,37,677 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 39,918 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. અત્યાર સુધીમાં 16,05,643 પુરૂષો તેમજ 13,93,975 મહિલાઓનું રસીકરણ થયુ હતુ. જેમાં જિલ્લાના કોવિશિલ્ડની 24,01,174 અને કોવેક્સિનની 5,82,630 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં 12 થી 14 વર્ષના લોકોએ 56,251 કોબર વેક્સનની ડોઝ લીધો હતો.આ ઉપરાંત 15 થી 17 વર્ષની ઉંમરના 2,32,362 અને 18થી 44ની વયના 17,54,439 અને 45થી 60ની ઉંમરના 6,19,131 તેમજ 60થી ઉપરની વયના 3,77,875 લોકોએ રસી મૂકાવી હતી. આ દિવસે એક પણ કોરોના કેસ નોંધાયો ન હતો.
ગુરુવારે 637ના ટેસ્ટ કરાયા
જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના પોઝિટિવના લક્ષણો ધરાવતા લોકો ધ્યાને લેવા ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ગુરુવારે 637 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાં 560 આરટીપીસીઆર ટેસ્ટ અને 77 એન્ટીજન ટેસ્ટ કરાયા હતા.જેમાં સૌથી વધુ 148 સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ટેસ્ટ કરાતા 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.