હળવદ પંથકમાં ગઈ કાલે મોરબી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહિલા અધિકારી દ્વારા બેફામ ઉઘરાણા કરવામાં આવતા મામલો છેક એસીબી સુધી પહોંચ્યો હતો. જેમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વોચ ગોઠવી મહિલા અધિકારી અને ફૂડ ઈન્સ્પેક્ટરને શંકાસ્પદ રોકડ રકમ સાથે ઝડપી લઈ એસીબી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી હતી.
વેપારીઓએ એસીબી કન્ટ્રોલરૂમને ટેલીફોનીક ફરિયાદ કરી
આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ ગઈ કાલે હળવદ શહેરમાં ઠંડા પીણાં, કરિયાણા અને ડેરીના ધંધાર્થીઓ પાસેથી ફૂડ એન્ડ ડ્રગના મહિલા અધિકારી અને તેના મળતિયાએ બેફામ ઉઘરાણા કરતા કંટાળેલા વેપારીઓએ એસીબી કન્ટ્રોલરૂમને ટેલીફોનીક ફરિયાદ કરી ઘટના અંગે વાકેફ કર્યા હતા. જેને પગલે એસીબી મોરબીના પી.આઇ. પી.કે. ગઢવી દ્વારા હળવદ-મોરબી રોડ ઉપર વોચ ગોઠવી ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી મોરબીના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર હર્ષાબેન બી.પટેલ અને ફૂડ ઇન્સ્પેક્ટર ચિરાગ નિમાવતને GJ-04-BE-5718 નંબરની વોક્સ વેગન પોલો કારમાંથી શંકાસ્પદ રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
અધિકારીઓએ સંતોષકારક ખુલાસો ન આપતાં કાર્યવાહી કરાઇ
વધુમાં સરકારી પંચ સાથે રાખી એસીબી પીઆઇ પી. કે. ગઢવી અને તેમની ટીમે કાર રોકી ચેકીંગ કરતાં, GJ-04-BE-5718ની વોકસવેગન પોલો કારમાથી હર્ષાબેન બી. પટેલ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ-૨ તથા ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર ચિરાગ નિમાવત ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ કચેરી મોરબી વાળા પાસેથી રૂપિયા 67 હજાર 930 અને 8 હજાર 720 રોકડા મળી આવતા રોકડ રકમ અંગે ખુલાસો માંગ્યો હતો. પરંતુ બંન્ને લાંચિયા અધિકારી સંતોષકારક ખુલાસો ન કરતાં, ભ્રષ્ટાચાર સબંધી શંકાસ્પદ રકમ ગણી રોકડ રકમ કબજે લઈ મોરબી એસીબી પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
રકમ મળી છે તે શંકાસ્પદ છે, જેથી જાણવા જોગ દાખલ કરી
બે ફૂડ સેફટી ઓફિસર કારમાં બિન હિસાબી રોકડ લઈને જતા હોવાની ફરિયાદ મળી હતી આથી તેમની કાર રોકાવી તલાશી લેવાઇ હતી અને રોકડ મળી હતી, જે બાબતે પૂછપરછ કરતાં તેઓ કોઇ સંતોષ કારક જવાબ ન આપી શક્યા ન હતા.આથી આ રકમ જપ્ત કરી બન્ને વિરુદ્ધ જાણવા જોગ દાખલ કરી છે. ગુનો સાબિત થયે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. - પી.કે. ગઢવી, એસીબી પીઆઇ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.