બેમિસાલ સંઘર્ષની કહાણી:વઢવાણના ગરીબ પરિવારની યુવતીએ ભણવા માટે ખેતમજૂરી, સિલાઇકામ કર્યાં, બે નિષ્ફળતા પછી પોલીસમાં ભરતી થઈ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલાલેખક: પ્રવીણ સોલંકી
  • કૉપી લિંક
વઢવાણની વંદના પરમારની તસવીર - Divya Bhaskar
વઢવાણની વંદના પરમારની તસવીર

વઢવાણના ગરીબ પરિવારની યુવતીએ સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે પોલીસમાં ભરતી થવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું હતું. આર્થિક, સામાજિક અને શારીરિક મર્યાદાઓ તથા બબ્બે વખત નિષ્ફળતા મળ્યા પછી તેણે પોતાનું સપનું સાકાર કર્યું છે.

વઢવાણની વંદના પરમાર અત્યારે સુરેન્દ્રનગર પોલીસના બી-ડિવિઝનમાં ફરજ નિભાવી રહી છે. વંદનાના પિતા ખાનજીભાઈ પેઇન્ટર તરીકે કામ કરે છે. આર્થિક સંકડામણના કારણે તેમના પત્ની ગૌરીબેને દીકરીના ભણતર માટે કારખાનામાં કામ કર્યું હતું. બાળપણથી ભણતરમાં તેજસ્વી વંદનાએ બીએસસી,બીએડ્ કર્યા બાદ મહિલાઓ સાથે અત્યાચારના વધતા કેસો જોઇને પોલીસમાં ભરતી થવાનો નિર્ધાર કર્યો હતો. ભણતરનો ખર્ચ કાઢવા માટે તેણે ખેતરમાં મજૂરી કરી તો સિલાઇકામ અને પાર્લરમાં પણ કામ કર્યું હતું. દરરોજ ઘરકામ સાથે તે નિયમિત વાચન, અભ્યાસ કરતી હતી. સાથે જ વહેલી સવાર દોડવાની તૈયારી પણ કરતી. પરિવારને મદદરૂપ થવા સમયાંતરે બાળકોને ભણાવવાનું કામ પણ કરતી.

પોલીસ ભરતીના બે પ્રયાસોમાં નિષ્ફળતા મળ્યા બાદ 2018-19માં વંદનાને સફળતા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં 8 માસ ટ્રેનિંગ લીધા બાદ ગત મે મહિનામાં તેને પોસ્ટિંગ મળ્યું હતું. વંદના સફળતાનો શ્રેય માતા-પિતાના સંઘર્ષને જ આપે છે. તેણે જણાવ્યું હતું કે, ‘ માતા-પિતાના સંઘર્ષ અને સંસ્કારથી પોલીસની ફરજ બજાવવાની તક મળી છે. નિષ્ફળતા મળે તો પણ પીછેહઠ કરવી જોઈએ નહીં. કારણ કે નિષ્ફળતા પણ સફળતાની ચાવી બની શકે છે.’

સફળ થવા માટે વજન ઘટાડ્યું
એક તબક્કે વંદનાનું વજન 68 કિલો હતું જેના કારણે તેઓ દોડી શકતી ન હતી. વજન ઘટાડવા માટે તેમણે નિયમિત સવારે દોડવાનું શરૂ કર્યું હતું. તેના કારણે ઘણીવાર ઈજા પણ પહોંચતી, હાથમાં લોહી નીકળતું. છતાં તેમણે હિંમત હાર્યા વિના સંઘર્ષ જારી રાખ્યો હતો. વજન ઘટાડવા માટે ચાનો ત્યાગ કર્યો, મગ ખાવાનું શરૂ કર્યુ. જીમ અને યોગ શરૂ કરીને આખરે વજન ઘટાડીને 60 કિલો કરવામાં સફળતા મળી હતી.

નાનાભાઈની જવાબદારી લીધી
વંદનાનું કહેવું છે કે આર્થિક, સામાજિક પછાતપણાથી બહાર આવવાનો ઉપાય શિક્ષણ છે. એટલે જ હુંં મારા ભાઈ તથા અન્ય યુવાનોને શિક્ષણના શરણે જવાની સલાહ આપું છું. બહેનની જેમ વંદાનાનો ભાઈ પણ ભણીને પોલીસમાં ભરતી થવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...