ધોળે દિવસે હત્યા:પાટડીના જરવલામાં સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા, પોલીસે ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીના જરવલામાં સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા - Divya Bhaskar
પાટડીના જરવલામાં સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા
  • ઢોર લઇ જતી સમયે આઘા જવાનુ કહેવા જેવી સામાન્ય બાબતે માથામાં ધારીયાનો ઘા ઝીંકી દેવાયો

પાટડીના જરવલામાં ભરવાડ સમાજના ઝઘડામાં યુવાનને માથામાં ધારીયું મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જેમાં ઢોર લઇ જતા સમયે આઘા જવાનુ કહેવા જેવી સામાન્ય બાબતે માથામાં ધારીયાનો ઘા ઝીંકી દેવાયો હતો. આ ભરવાડ યુવાનને ગંભીર હાલતમાં પાટડી સરકારી દવાખાને લઇ જવાયા બાદ વિરમગામ અને ત્યાંથી અમદાવાદ લઇ જવાતા મોત નિપજ્યું હતુ. હાલ તો જરવલામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

હત્યાની જગ્યા
હત્યાની જગ્યા

પાટડી તાલુકાના જરવલા ગામે આજુબાજુમાં રહેતા પરિવારો વચ્ચે સામાન્ય ઝઘડાના બનાવો બનતા હતા. ત્યારે આજે સવારે જરવલા ગામના કેટલાક લોકો માલઢોર લઇને જઇ રહ્યાં હતા ત્યારે સતીષ સેંધાભાઇ ભરવાડ નામનો 27 વર્ષનો યુવાન સામેથી આવતા લોકોએ એને રસ્તામાંથી દૂર જવાનું કહેતા સામ-સામે સામાન્ય બોલાચાલી થઇ હતી. બાદમાં આ સામાન્ય ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા લોકોએ આ સતીષ સેંધાભાઇ ભરવાડ પર ઘાતક હુમલો કરી માથામાં ધારીયાનો ઘા ઝીંકી દેતા એ લોહિલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યોં હતો.

જરવલામાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવાયો
જરવલામાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવાયો

આ ઘટનાની જાણ થતાં પાટડી 108 એમ્બ્યુલન્સ વાનના નિલેશભાઇ પટેલ સહિતના સ્ટાફ દ્વારા એને ગંભીર લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યાં આ યુવાનની હાલત નાજૂક જણાતા ફરજ પરના હાજર તબીબે એને વધુ સારવાર અર્થે રીફર કરાતા એને ગંભીર હાલતમાં વિરમગામ હોસ્પિટલે લઇ જવાયા બાદ ત્યાંથી અમદાવાદ સોલા સિવીલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર મળે એ પહેલા જ આ યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

મૃતક યુવાન સતિષ ભરવાડ
મૃતક યુવાન સતિષ ભરવાડ

આ હત્યાના બનાવની જાણ થતા પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા અને નિલેશભાઇ રથવી સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલમાં અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં આ યુવાનના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ લખાય છે ત્યાં સુધીમાં આ હત્યાના બનાવની પોલીસ ફરીયાદ નોંધવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ તો જરવલામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્ય‍ાં છે.

હત્યાના બનાવનું સ્થળ
હત્યાના બનાવનું સ્થળ
અન્ય સમાચારો પણ છે...