દગાબાજ પત્નીએ ભોગ લીધો:સુરેન્દ્રનગરના વરસાણી ગામના યુવકે ઝેરી દવા પી જિંદગી ટુંકાવી, પત્ની અન્ય યુવક સાથે ભાગી જતાં અંતિમ પગલું ભર્યું

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • પત્ની અન્ય યુવક સાથે ફરાર થઇ જતા આ ઘાતક પગલું ભર્યું
  • મૃતક યુવાનના પિતાએ લખતર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વરસાણી ગામે રહેતા 26 વર્ષીય યુવકની પત્ની અન્ય યુવક સાથે ફરાર થઈ ગઈ હતી. આ બનાવથી લાગી આવતા યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જેમાં આત્મહત્યા કરતાં પહેલાં યુવાને આ અંગેનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. જેમાં તેનો મિત્ર જ તેની ગર્ભવતી પત્નીને ભગાડી ગયાની અને જાતિ અંગે અપમાનિત કરતો હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ લખતર પોલીસ મથકે મૃતક પુત્રના મિત્ર અને પોતાના પરિવારની પરિણીતાને ભગાડી જનારા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

વરસાણી ગામના યુવાનને આત્મહત્યા કરવાની ફરજ પડી હોવાનો બનાવ
સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરજ્ઞાતિય લગ્નોએ માઝા મૂકી છે. યુવક અને યુવતી ક્ષણિક આકર્ષણને પ્રેમ સમજી બેસે છે. અને લગ્ન બાદ કાં તો યુવકને અથવા તો યુવતીને પસ્તાવાનો વારો આવે છે. ત્યારે આવા જ એક આંતરજ્ઞાતિય લગ્નમાં લખતર તાલુકાના વરસાણી ગામના યુવાનને આત્મહત્યા કરવાની ફરજ પડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ગોઝારા બનાવની મળતી માહિતી મુજબ લખતર તાલુકાના વરસાણી ગામના અશ્વિનભાઈ રાજાભાઈ મકવાણાએ વઢવાણ તાલુકાના દેદાદરા ગામના કાળુભાઈ ભલુભાઈ પનારાની પુત્રી જ્યોત્સના સાથે 3 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં.

26મી ઓગસ્ટના રોજ લખતર ગેસનો બાટલો ભરાવવા ગયેલો અશ્વિન ઘરે આવતા 6 માસનો ગર્ભ ધરાવતી જ્યોત્સના નજરે ન પડતાં તેના પરિવારજનોને પૂછતા તે પિયર ગઈ હોવાનું જણાવ્યું હતું. આથી શંકા જતા દશરથના ઘરે તપાસ કરતા તે પણ હાજર ન હતો. જેના લીધે દશરથ જ જ્યોત્સનાને ભગાડી ગયાનું બહાર આવ્યું હતું.

કપાસમાં છાંટવાની મોનોકોટા ઝેરી દવા પી લીધી
ત્યારબાદ અશ્વિનભાઈએ લખતર પોલીસ મથકે તા. 26 ઓગસ્ટના રોજ આ અંગે ફરિયાદ પણ આપી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં અંતે અશ્વિને ગત તા. 2જી સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે કપાસમાં છાંટવાની મોનોકોટા ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેતાં પહેલાં તેણે એક વીડીયો પણ વાયરલ કર્યો હતો. જેમાં સમગ્ર હકીકત વર્ણવી હતી. આ બનાવમાં મૃતક અશ્વિનભાઈના પિતા રાજાભાઈ વાલાભાઈ મકવાણાએ લખતર પોલીસ મથકે દશરથભાઈ રાતોજા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એસટીએસ સી સેલના ડીવાયએસપી વી.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.

જ્યોત્સનાએ દશરથને ધર્મનો ભાઈ માન્યો હતો
ત્રણ વર્ષ પહેલાં જ્યોત્સનાએ પ્રેમલગ્ન કરીને અશ્વિન સાથે રહેવા આવી હતી. દશરથ અશ્વિનનો ખાસ મિત્ર હોઈ અને જ્યોત્સનાના સમાજનો હોઈ તેને ધર્મનો ભાઈ માન્યો હતો. તા. 26 ઓગસ્ટના રોજ અશ્વિનની બહેન પાયલે જ્યોત્સનાને ઘરની બહાર જતાં જોઈ હતી અને ભાભી કયાં જાય છે ? તેમ પૂછતાં મારા ધર્મના માનેલા ભાઈને ત્યાં જાઉ છું, તેમ કહ્યું હતું. તા. 30 ઓગસ્ટે અશ્વિનને ત્રણ શખ્સોએ માર માર્યો હતો. તા. 30 ઓગસ્ટના રોજ અશ્વિન તેની પત્નીની ભાળ મેળવવા તરણેતરના મેળામાં ગયો હતો. જેમાં તે બાઈક પર તરણેતરથી સુરેન્દ્રનગર અને ત્યાંથી વરસાણી તરફ આવતો હતો ત્યારે મેમકા ગામ પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં અશ્વિનને ઈજા થતાં સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ પણ લઈ જવાયો હતો. જો કે, આ બનાવની કોઈ ફરિયાદ નોંધાવી ન હતી.

અશ્વિન અને દશરથને સાથે કામ કરતા મિત્રતા બંધાઈ હતી
અશ્વિન અને દશરથ લખતર તાલુકાના એક જ ગામ વરસાણીના હતા. પરંતુ બન્ને વચ્ચે ગાઢ મિત્રતા છેલ્લાં 7 વર્ષથી બંધાઈ હતી. બન્ને એક જ કંપનીમાં સાથે કામ કરતા હોવાથી મિત્રતા બંધાઈ હતી. જેમાં એકબીજાના ઘરે આવવા-જવાનું પણ શરૂ થયું હતું.

અશ્વિન અને જ્યોત્સનાને સોશિયલ મીડિયા થકી પ્રેમ થયો હતો
વરસાણી ગામે રહેતો અશ્વિન અને દેદાદરા ગામે રહેતી જ્યોત્સના સોશિયલ મીડિયાની ફેસબુક એપ થકી એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. ત્યારબાદ બન્ને વચ્ચે મોબાઈલ ઉપર વાતચીત શરૂ થયા બાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...