સુરેન્દ્રનગર જિલ્લા પાટડી તાલુકાના જૈનાબાદ ગામને સંપૂર્ણ વ્યસન મુક્ત બનાવવા ગ્રામજનોની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં જૈનાબાદ સ્ટેટ અને સરપંચ સહિતના ગામ આગેવાનોએ ગ્રામજનો સાથે સવિસ્તૃત મીટીંગ યોજી રણનિતી ઘડી કાઢવામાં આવી હતી અને જૈનાબાદ ગામમાં જાહેર જગ્યાઓ પર તથા દિવાલ પર વ્યસન મુક્તિના સૂત્રો તથા બેનરો લગાવવામાં આવશે.
પાટડી તાલુકાના જૈનાબાદ મુકામે શાંતિ સમિતી અને ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી જૈનાબાદમાં વ્યસન મુક્તિના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ વ્યસન મુક્તિ અભિયાન પહેલા સમસ્ત ગ્રામજનો દ્વારા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મીટીંગમાં જૈનાબાદ સ્ટેટ એમ.એસ.મલિક સહિત ગામ આગેવાનો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં સ્વયંભૂ હાજર રહ્યાં હતા. આ મીટીંગમાં દરેક પ્રકારના વ્યસનો જેવા કે દારૂ, ચરસ, ગાંજો, તમાકુ ગુટખા વગેરે વિવિધ પ્રકારના વ્યસનથી કઇ રીતે વ્યસન છોડાવવુ એની વિગતવાર ચર્ચા થઇ હતી.
વધુમાં આ મીટીંગમાં વ્યસન કરનારા લોકો પાસે રૂબરૂ એમના ઘેર જઇને વ્યસન મુક્ત કરવા ગામની કમિટી અપીલ કરશે તેમજ જ્યાં જરૂર પડે ત્યાં પ્રશાસનની પણ મદદ લેવામાં આવશે. વધુમાં જૈનાબાદ ગામમાં જાહેર જગ્યાઓ પર તથા દિવાલ પર વ્યસન મુક્તિના સૂત્રો તથા બેનરો લગાવવામાં આવશે. અને ખાસ કરીને આવનારી પેઢી એ આપણું ભવિષ્ય છે અને આવનારી પેઢી વ્યસનના સંકજામાં આવે નહીં એના માટે અત્યારથી નાના નાના બાળકોને વ્યસન મુક્તિ અંગે માહિતગાર કરવામાં આવશે.
જૈનાબાદ ગ્રામજનોને વિવિધ પ્રકારના વ્યસનોથી તથા એનાથી થતાં નુકશાનની સમયાંતરે વ્યાપક ચર્ચા કરવામાં આવશે. અને જેમ બને તેમ આ વ્યસન મુક્ત ગામ કઇ રીતે બને એ માટે ગ્રામજનો પાસેથી જ સૂચનો મંગાવી અને દર માસે કમિટીની મીટીંગ તથા જરૂરપડે ગ્રામસભા પણ બોલાવવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા જૈનાબાદ સ્ટેટ મોટા બાપુ એમ.એસ.મલિક, જૈનાબાદ સરપંચ મહેબૂબભાઇ, સામાજિક આગેવાન સિંકદરભાઇ કુરેશી, અબ્દુલભાઇ જમાદાર, અહેમદભાઇ કસ્ટમ અને અબ્દુલભાઇ ફૌજીએ ભારે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.