પ્રસંગમાંથી પરત ફરતી વખતે નડ્યો અકસ્માત:લીંબડી હાઈવે પર કારોલ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં કુલ ત્રણ મોત, પાંચને ઈજા

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
કારોલ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં કુલ ત્રણ મોત
  • ઘટનાસ્થળે બેના મોત નિપજ્યા બાદ એક મહિલાનું સારવાર દરમિયાન મોત
  • બાઈકમાં સવાર બે વર્ષના બાળકનો ચમત્કારીક બચાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જિલ્લાના લીંબડી હાઇવે ઉપર અવાર-નવાર નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે. આ અકસ્માતોમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યાં છે. ત્યારે મંગળવારે સાંજના સમયે વધુ એક અકસ્માતની ઘટના બની છે. ચુડા તાલુકાના કારોલ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. બે લોકોના ઘટનાસ્થળે તેમજ એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત અન્ય પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

આ અંગે મળતી વિગત અનુસાર જિલ્લાના ચુડા તાલુકાના કારોલ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં 3 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા, જ્યારે 5 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બોટાદના નિલેશભાઈ નારાયણભાઈ જોગરાણા ચુડા તાલુકાના મોજીદડ ગામે આવેલા ભાભી પૂજાબેન હિરાભાઈ અને તેમના 2 વર્ષના પુત્રને લઈ બાઈક પર બોટાદ જઈ રહ્યા હતા. ચુડા તાલુકાના કરમડ ગામના ગોપાલભાઈ રતુભાઈ બાવળીયા તેમના મિત્રના પરિવાર સાથે ઝીંઝાવદર ગામથી લગ્ન પ્રસંગ પતાવી ચોટીલા જઈ રહ્યા હતા. ત્યારે લીંબડી-રાણપુર હાઈવે રોડ પર કારોલ અને ભૃગુપુર ગામ વચ્ચે કાર અને બાઈક ગમખ્વાર અકસ્માત થયો હતો.

અકસ્માતમાં બાઈક ફંગોળાઈને રોડની બાજુમાં બાવળની ઝાડીમાં ફેંકાઈ ગયું હતું. કાર મહાકાય વૃક્ષ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક નિલેશભાઈ જોગરાણા અને કારચાલક પાસે બેઠેલા ગોપાલભાઈ બાવળીયાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યાં મોત નીપજયાં હતા.

ઉલ્લેખનીય છે કે બાઈક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ બાબતની જાણકારી પોલીસને થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની લાશને પીએમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

બાઈક પર સવાર 3 વ્યક્તિઓમાંથી બાઈક ચાલક નિલેશભાઈ નારાયણભાઈ જોગરાણા (ઉ.વર્ષ 20) રહે બોટાદનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે 1 વ્યક્તિને ઈજા પહોંચી હતી. તેમજ 2 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો. કારમાં બેઠેલા 6 વ્યક્તિઓમાંથી 1 વ્યક્તિનું ઘટનાં સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. ઈજાગ્રસ્તો નંદુબેન ડાહ્યાભાઈ (ઉ.વર્ષ 30) રહે ચોટીલા, નિતાબેન માધુભાઈ (ઉ.વર્ષ 30) રહે ચોટીલા, પુજાબેન ડાહ્યાભાઈ (ઉ.વર્ષ 16) રહે ચોટીલા, કનુબેન માધુભાઈ (ઉ.વર્ષ 60) રહે કરમડ બિપિનભાઈ જગદીશભાઈ (ઉ.વર્ષ 10) રહે કરમડ પુજાબેન હિરાભાઈ (ઉ.વર્ષ 30) રહે બોટાદ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...