ગૌશાળામાં વધુ સહાય:સુરેન્દ્રનગરમાં કુલ પાંચ પાંજરાપોળ ગૌશાળાના 1194 પશુઓ માટે રૂ. 32 લાખની વધુની સહાય ચૂકવાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજનાનાં અમલીકરણ અર્થે જિલ્લા કક્ષાની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2022-23 અંતર્ગત પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી પાંજરાપોળ/ગૌશાળા ખાતે રાખવામાં આવતા ગાય-ભેંસ વર્ગના પશુઓના નિભાવ માટે જિલ્લાની કુલ 05 પાંજરાપોળ/ગૌશાળાને રૂ. 32 લાખથી વધુની સહાય ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

તાલુકા કક્ષાની સમિતિ દ્વારા આ યોજના અંતર્ગત સહાય માટે કુલ-07 ગૌશાળા -પાંજરાપોળની દરખાસ્ત, ભલામણો જિલ્લા કક્ષાની કમિટી સમક્ષ રજૂ થઈ હતી. જિલ્લા કલેકટરે એક હજારથી ઓછા ગાય-ભેંસ વર્ગના પશુઓના નિભાવ કરતી જિલ્લાની કુલ પાંચ ગૌશાળા/પાંજરાપોળોને ઓક્ટોમ્બર-22થી ડિસેમ્બર-22 એમ કુલ 92 દિવસ માટે રૂ. 32 લાખથી વધુની સહાય ચૂકવવા આદેશ કર્યો હતો.

જેમાં ચુડા મહાજન પાંજરાપોળને 547 પશુઓ માટે 15,09,720 રૂ., પુરણ સ્મૃતિ ગૌસેવા ટ્રસ્ટ દુધઈને 141 પશુઓ માટે 3,89,160 રૂ., દુધઈ ગૌશાળા ટ્રસ્ટને 141 પશુઓ માટે 3,89,160 રૂ., શ્રી ધારશી વિરજીની જગ્યા ગૌશાળા ટ્રસ્ટ ચોટીલાને 47 પશુઓ માટે 1,29,720 રૂ., શ્રી ચોટીલા પાંજરાપોળ ટ્રસ્ટને 318 પશુઓ માટે 8,77,680 રૂ. એમ મળી જિલ્લાનાં કુલ 1194 પશુઓ માટે રૂ. 3,295,440ની સહાય ચૂકવવાનો આદેશ કર્યો હતો. રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ અને શ્રી લીંબડી મહાજન પાંજરાપોળ એક હજાર કરતાં વધુ પશુ નિભાવતા હોય સહાય ચૂકવવાના પ્રવર્તમાન ઠરાવ મુજબ મંજૂરી અર્થે તેમની દરખાસ્તને રાજ્ય કક્ષાની કમિટી સમક્ષ મોકલવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...