ફરિયાદ નિવારણ બાબતે વિશિષ્ટ કામગીરી:સુરેન્દ્રનગર જિલ્લામાં C- Vigil એપના માધ્યમથી નોંધાયેલી આચારસંહિતા ભંગની કુલ 11 ફરિયાદોનો ત્વરિત નિકાલ કરાયો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી સંપટના નેતૃત્વમાં તથા માર્ગદર્શન હેઠળ આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કોઈ નાગરિકને આચારસંહિતાનો ભંગ થતો જણાય તો ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલ વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો C-Vigil એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિધાનસભા મત વિસ્તારોમાંથી C- Vigilના માધ્યમથી મળેલ કુલ 11 ફરિયાદોનો જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તાત્કાલિક નિકાલ કરાયો છે.

જિલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિકાલ માટે ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગ અંગે નાગરિકો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1950 પર ફોન કરી ફરિયાદ કરી શકે છે. ઉપરાંત C-Vigil મોબાઈલ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કાર્યરત ઈલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટર દ્વારા આચાર સંહિતાના ભંગ અંગે મીડિયામાં પ્રસારિત થતા સમાચારોનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે. ફરિયાદ નિવારણ સેલમાં C-Vigil એપના માધ્યમથી અત્યાર સુધીમાં 11 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં 6 ફરિયાદો 62- વઢવાણ મત વિસ્તારમાં, 3 ફરિયાદો 63 - ચોટીલા મતવિસ્તારમાં અને 2 ફરિયાદ 61- લીંબડી મતવિસ્તારમાં નોંધાઈ છે. આમ, કુલ 11 ફરિયાદો નોંધાઇ હતી. જેમના પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. નોડલ અધિકારી નિશાંત મકવાણાએ જણાવ્યું હતું કે, આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગની ફરિયાદોના નિવારણ માટે ચૂંટણીપંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી છે. જે મુજબ C-Vigil એપ પર કોઈ નાગરિક ફરિયાદ અપલોડ કરે ત્યારે, કન્ટ્રોલ રૂમમાંથી આ ફરિયાદ પાંચ જ મિનિટમાં, જે તે વિધાનસભા મત વિસ્તારની હોય, એ વિસ્તારમાં કાર્યરત ફ્લાઈંગ સ્કવોડને મોકલવામાં આવે છે. ફ્લાઈંગ સ્કવોડ આ ફરિયાદ પર તુરંત પગલાં લે છે અને વધુમાં વધુ 100 મિનિટની સમય મર્યાદામાં આ ફરિયાદ ઉકેલી નાખે છે. આ ફરિયાદ ઉકેલાઈ ગયાની ખાતરી જે તે મતક્ષેત્રના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવે છે. C- Vigil ના માધ્યમથી નોંધાયેલ ફરિયાદોમાં જિલ્લાના વિવિધ મતવિસ્તારમાંથી મોટાભાગની ફરિયાદો સરકારી દીવાલો પર પોસ્ટર લગાવવા, જાહેર સ્થળો પર મંજૂરી વિના પોસ્ટર કે બેનર લગાવેલા અંગેની હતી. આવી કુલ 11 ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરાયો છે. ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800 233 1723 પણ કાર્યરત છે. 24×7 પ્રમાણે 1950 હેલ્પ લાઇન નંબર પર અત્યાર સુધીમાં ચુંટણી કાર્ડમાં સુધારા કરવા, નવા નામ ઉમેરવા, મતદાર ક્રમાંક જાણવા સહિતની વિગતોની પૂછપરછ સંદર્ભે 60 કોલ આવ્યાં હતા. જેમને સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...