ઝાલાવાડમાં પશુઓનાં મૃત્યુનું કારણ બનેલો લમ્પી વાઇરસ ગંભીરતાથી વિસ્તરી રહ્યો છે. ધ્રાંગધ્રા પછી થાન, મૂળી, ચોટીલા અને વઢવાણ તાલુકાનાં 20 ગામોમાં અત્યારે 369 પશુ લમ્પીગ્રસ્ત છે ત્યારે રોગચાળાની ગંભીરતાને ધ્યાને રાખીને દિલ્હીથી ભોપાલની નેશનલ ઇન્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીસના સિનિયર સાયન્ટિસ્ટ ડૉ. એસ. બી. સુધાકર અને ગાંધીનગરની વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડૉ. બીપિન રાઠવા સહિતની 4 નિષ્ણાતની ટીમ સોમવારે જિલ્લામાં આવી હતી અને પ્રથમ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામની મુલાકાત લઈને પશુપાલકોને મળી પશુની તપાસ કરીને પરિસ્થિતિ સાથે સારવારની વિગતો જાણી હતી. આ ટીમ જિલ્લામાં સરવે કરશે અને ત્યાર બાદ રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર આપશે.
આ તાલુકાનાં ગામોમાં લમ્પી રોગ પશુમાં જોવા મળ્યો
તાલુકો ગામો
ધ્રાંગધ્રા કોંઢ, રતનપર, રામપરા, નારી, જીવા, ગાજણવાવ, બાવળી
ચોટીલા રેશમિયા, ફુલઝર
મૂળી ભવાનીગઢ, લિયા
થાન થાન શહેર, તરણેતર, વીજળિયા, ખાખરાથળ, ખાખરાવાળી, વર્માધાર, મોરથળા
વઢવાણ રૂપાવટી, વેળાવદર
11 પશુ ચિકિત્સક 41 પશુધન નિરીક્ષકની ટીમ સાથે 20 મોબાઇલ વૅન તૈનાત કરાઈ
અસરગ્રસ્ત ગામમાં નિરોગી પશુઓમાં રોગ ન ફેલાય તે માટે 6315 પશુનું રસીકરણ કરાયું છે. રસીના 10 હજાર ડોઝ હતા અને વધુ 20,000 ડોઝ આવ્યા છે. હાલમાં પશુપાલન ખાતાના 11 પશુચિકિત્સા અધિકારી, 41 પશુધન નિરીક્ષક, 20 પશુ સારવાર વૅન તૈનાત કરાઈ છે. > પી. પી. કણઝરિયા, જિલ્લા પશુ આરોગ્ય અધિકારી
સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકાવાર રસીકરણ
તાલુકો | સારવાર | રસીકરણ |
ધ્રાંગધ્રા | 236 | 3511 |
ચોટીલા | 19 | 692 |
થાન | 36 | 912 |
મૂળી | 112 | 1200 |
કુલ | 403 | 6315 |
સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા મુજબ પશુધન (2019-2020)ની ગણતરી મુજબ
તાલુકો | ગાય |
સાયલા | 49,793 |
દસાડા | 42,164 |
ચુડા | 21,750 |
ધ્રાંગધ્રા | 43,873 |
લખતર | 17,799 |
લીંબડી | 29,372 |
ચોટીલા | 53,387 |
મુળી | 20,330 |
થાનગઢ | 15,039 |
વઢવાણ | 32,227 |
કુલ3,25,680 |
અરસગ્રસ્ત ગાયોને ઓરી-અછબડાની શીપપોક્સ રસી આપવામાં આવે છે
લમ્પીની કોઈ રસી હજુ સુધી શોધાઈ નથી. આથી પ્રાયોગિક ધોરણે ઘેટાંબકરાંને ઓરી-અછબડા સામેના રક્ષણ માટે અપાતી શીપપોક્સ રસી જ લમ્પીગ્રસ્ત પશુને અપાય છે. આ રસીથી અસરગ્રસ્ત પશુને ફાયદો થતો હોવાનું પશુ ડૉક્ટરોએ જણાવ્યું હતું.
લમ્પી સાથે અન્ય રોગને કારણે પણ પશુનાં મોત થઈ રહ્યાં છે
જિલ્લામાં વર્તમાન સમયે જે લમ્પીના રોગનો પશુ ભોગ બની રહયા છે તેમાં અત્યાર સુધીમાં 51 પશુના મોત આ રોગને કારણે થયા હોવાનું પશુ પાલન ખાતુ જણાવી રહયુ છે. આ ઉપરાંત જે અન્ય પશુના મોત થયા છે તેમા ચોમાસાને કારણે થતા અન્ય રોગ, ડિહાઇડ્રેશન, ડાયેરિયા સહિતા રોગ પણ કારણભુત છે. ઉપરાંત ઉંમરલાયક પશુના પણ મોત થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.