ગેરમાન્યતાઓ દૂર કરવા પ્રયત્ન:માસિક ધર્મની ગેરમાન્યતાઓ દૂર કરવા 12 વર્ષથી મથતાં સરોડી પ્રા.શાળાના શિક્ષિકા

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
થાનના સારોડી ગામના શિક્ષિકા બાળાઓ માટે શાળામાં ઓટોમેટિક સેનેટરી પેડ ડિસ્પોઝલ મશીન અર્પણ કર્યું હતું. - Divya Bhaskar
થાનના સારોડી ગામના શિક્ષિકા બાળાઓ માટે શાળામાં ઓટોમેટિક સેનેટરી પેડ ડિસ્પોઝલ મશીન અર્પણ કર્યું હતું.
  • શિક્ષિકા સ્વખર્ચે સેનેટરી પેડ ખરીદી ગામની મહિલાઓ અને બાળાઓને વિતરિત કરે છે

થાનગઢના સારોડી ગામના શિક્િીકાને શાળાએ જોડાયા બાદ છોકરા કરતા છોકરીઓની સંખ્યા ઓછી આવતી હોવાનું જણાયું હતું. આથી છેલ્લા 12 વર્ષથી માસિક ધર્મને લઇ બાળાઓના અને મહિલાઓના મનમા વ્યાપેલ ગેરમાન્યતાઓ દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં તેઓ સ્વખર્ચે સેનેટરી પેડ ખરીદી ઘેરઘેર બાળાઓ મહિલાઓને વિતરણ કરવાનું સેવાકાર્ય પણ નિભાવી રહ્યા છે.

એકવીસમી સદીમાં મહિલાઓ પુરૂષ સમોવડી બની દરેક ક્ષેત્રે ખભેખભો મીલાવી પોતાની યોગ્યતા સાબિત કરી રહી છે. પરંતુ હજુ પણ ભારતીય સમાજ પુરૂષ પ્રધાન હોવાને લઇ મહિલાઓના ઘણા એવા પ્રશ્નો છે જેના વિશે ખૂલીને ચર્ચા કરવા કે સવાલ જવાબ થઇ શકતા નથી. પરંતુ એ માન્યતા પણ દૂર કરવા શિક્ષિત મહિલાઓ આ બાબતે પણ આગળ આવી રહી છે. જેના ઉદાહરણ સમાન થાનગઢના સારોડી ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા દિપ્તીબેન મહેન્દ્રભાઇ ગોહેલ છે. તેઓને શાળાએ છોકરા કરતા છોકરીઓની હાજરીની સંખ્યા ઓછી આવતી હોવાનું ધ્યાને આવતા તપાસ કરતા બાળાઓને માસિક ધર્મને લઇ ડર અને સમસ્યાઓને લીધે ઓછી હાજરી આવતા હોવાનું અને તેને લઇ અભ્યાસને પણ અસર થતી હોવાનું ધ્યાને આવ્યું હતું.

આથી તેઓના મનમાં દીકરીઓ માટે કાંઇક કરવું જોઇએ તેવો વિચાર આવ્યો હતો આ સાથે શરૂ થઇ સેવાકીય કાર્યની સરવાણી. જેમાં તેમના શિક્ષક પતિ મહેન્દ્રભાઇ ગોહેલ, પુત્ર મહર્ષી ગદાણી, પુત્રી યશ્વી ગદાણીનો સહયોગ સાંપડ્યો હતો. પ્રથમ બાળાઓને સેનેટરી પેડના ઉપયોગ અને તેના ફાયદાની સમજ આપતા બાળાઓ તેનો ઉપયોગ કરતી થઇ હતી. જેનુ જબરદસ્ત પરિણામ મળ્યું કે બાળાઓની હાજરી સો ટકા થઇ હતી. જ્યારે બાળાઓનો આત્મવિશ્વાસ વધતા એક બાલગીત ગાવા ઊભી ન થતી બાળાઓ શાળાના દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત તાલુકા અને જિલ્લા લેવલે શાળાનું પ્રતિનિધિત્વ કરવા સાથે સીએમના કાર્યક્રમમાં પર્ફોરમન્સ આપી રહી છે.

શાળામાં આવેલ બદલાવને જોતા શિક્ષિકાએ ગામની મહિલાઓ માટે આગળ આવી મહિલાઓને પણ ઘેરઘેર જઇ સમજ આપી સેનેટરી પેડ વિતરણ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં શાળાના શિક્ષિકા બહેનો જાગૃતિબેન નાંધા, તરલાબેન સરવૈયા, પ્રિયાબેન મકવાણા સહિત, વિદ્યાર્થિનીઓ-મહિલાઓને સમજાવતી જ્યારે ગામના આંગણવાડીના બહેનોનો આશાવર્કર બહેનો, આરોગ્યના બહેનોનો સહયોગ મળતા સેવાકાર્યનો વિસ્તાર વધતો જઇ રહ્યો છે.

દિપ્તીબેન ગોહેલે જણાવ્યું કે, હું વર્ષ 2010માં શાળામાં શિક્ષિકા તરીકે જોડાયા બાદ તપાસ કરતા કન્યાઓની ગેરહાજરીનું કારણ માસિક સમયગાળાના 10 દિવસ ગેરહાજર રહેતા અભ્યાસ બગડવા સાથે શિક્ષણનું પ્રમાણ પણ ઘટતુ ધ્યાને આવ્યું હતું. જેમાં શરમ પાછળની અંધશ્રધ્ધાઓ કપડા બગડી જવાની બીક અને તેનો શરમ સંકોચ કારણભૂત હતો. અને બાળાઓ પોતાને મુઝવતી સમસ્યા માટે પણ કોઇને કહી પણ નહોતા શકતા. આ સમયમાં શરીરમાં થતા ફેરફારો તેની સમસ્યા અંગે પણ મનમાં ઘણા પ્રશ્નો હોવાનું ધ્યાને આવ્યું હતું.

યશ્વી ગદાણી નામની ધો.9ની વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, સાથે ભણતી બાળાઓ મિત્ર હોવાથી મેં અને મમ્મીએ કપડાના ઉપયોગથી સ્વચ્છતા ધ્યાન ન રાખવાથી તેમાં રહેલા બેક્ટેરિયાથી થતી ગંભીર બિમારી, કપડાના સ્થાને સેનેટરી પેડ વાપરવું, તેના ઉપયોગ અને નિકાલ, દરરોજ સ્નાન કરવા, સ્વચ્છ કપડા પહેરવા, માસિક દુખાવો દૂર કરવા માટેની એક્સરસાઇઝની માહિતી આપી હતી. બાળાઓ ઉપયોગ કરે માટે સેનેટરી પેડ જથ્થો લાવી રાખી દીધો હતો. મને અને 2 બાળાને જવાબદારી આપી કે જે દીકરીઓને જરૂર હોય તેને મળી રહે જેથી સફળતા મળી હતી. શાળાના શિક્ષિકાએ શાળામાં બાળાઓને પેડ ઉપયોગ કર્યા બાદ તેને ડિસ્પોઝ કરવાની સુવિધા ન હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી પતિ કેતનભાઇ અને સાસુ શકુંતલાબેનના જન્મદિન નિમિત્તે શાળાને સેનેટરી ડિસ્પોઝેબલ મશીન ભેટ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...