દસાડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. દસાડાના વણોદ ખાતે અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. જેમાં નાઇટ ડ્યુટી કરી રહેલા GRD (ગ્રામ રક્ષક દળ) જવાન પર તીક્ષ્ણ હથીયાર વડે ત્રણ શખ્સોએ ઘાતક હુમલો કર્યો હતો. જેમાં GRD યુવાનને હથેળીના ભાગે 20થી વધુ ટાંકા આવ્યા હતા. અને એને વધુ સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
આ ઘટનાની જાણ દસાડા પોલિસે તાકીદે વણોદ ઘટનાસ્થળે દોડી જઇ મહેસાણા હોસ્પિટલે સારવાર લઇ રહેલા GRD જવાનનું નિવેદન લઇ વણોદના ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો આ ત્રણેય શખ્સોએ અગાઉના કોઇ ઝધડાનું મનદુ:ખ રાખીને GRD જવાન પર હિચકારો હુમલો કર્યો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.
સુરેન્દ્રનગરમાં કાયદાની કથળતી જતી સ્થિતિ
સુરેન્દ્રનગર જિલ્લામાં પાછલા કેટલાક દિવસોથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. જિલ્લામાં ચોરી, લૂંટફાટ, હત્યા, મારામારી અને ખંડણી સહિતના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યાં છે. એમાય તાજેતરમાં દસાડા તાલુકાના મેરા ગામે એક પુત્રએ રાત્રીના સૂઇ રહેતા માતા-પિતાનું ઊંઘમાં જ ગળુ કાપી નાખ્યું હતુ. જેમાં સાવકી માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે પિતાને ગંભીર હાલતમાં સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં પોલિસે આ હત્યાનો ભેદ ઉકેલી હત્યારા પુત્રની અટક કરી હતી. આ સનસનીખેજ ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં દસાડા પોલિસ મથકના તાબામાં આવતા વણોદ ખાતે અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.