પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ:સુરેન્દ્રનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાશે

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલના વરદ હસ્તે રામ ભોજનાલય ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રને ખુલ્લુ મુકાશે
  • જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પૂર્વ તૈયારીઓની સમિક્ષા બેઠક યોજાઇ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 5 સપ્ટેમ્બરના રોજ આનંદ ભવન, સુરેન્દ્રનગર ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ’ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેકટર કે.સી સંપટના અધ્યક્ષસ્થાને રાજ્યપાલની આ મુલાકાત સંદર્ભે એક બેઠક યોજાઇ હતી. આ પરિસંવાદ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવશે.

પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણકેન્દ્રને ખુલ્લું મુકવામાં આવશે
આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ દ્વારા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાના વધતા ઉપયોગ તથા તેની સમસ્યાઓના નિરાકરણ સંદર્ભે તથા ખેતીવાડી, પશુપાલન બાબતે તેમજ અન્ય પ્રાકૃતિક ખેતીને લગતા વિષયો પર ચર્ચા-વિચારણા કરી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અનાજ, કઠોળ, તેલીબીયાં, ફળફળાદી, શાકભાજી વગેરે પ્રાકૃતિક ઉત્પાદનોનું ખેડૂતો ગ્રાહકોને સીધુ વેચાણ કરી શકે તે માટે રામ ભોજનાલય પાસે પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણકેન્દ્રને રાજ્યપાલના વરદહસ્તે ખુલ્લું મુકવામાં આવશે.

સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
રાજ્યપાલની મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટરે સભાસ્થળે વિજ પુરવઠો, પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, સ્ટેજ, ટ્રાફિક મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને સુચના માર્ગદર્શન આપ્યા હતા. ઝાલાવાડના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો મોટી સંખ્યામાં ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’માં હાજર રહી માર્ગદર્શનનો લાભ લેવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણા, નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, ડી.વાય.એસ.પી પ્રકાશ પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એ પટેલ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...