રાહદારીને અકસ્માત નડ્યો:અખિયાણા ગામે રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઇ ગટરમાં ફંગોળ્યા, ગંભીરઈજા પહોંચતા મોત

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટડીના માલવણ હાઇવે પર અખિયાણા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. જેથી તેઓને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું. રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણ્યા વાહનચાલકે અડફેટે લઇ ગટરમાં ફેક્યા હતા. જેથી ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવાતા ડોક્ટરે એમને મૃત જાહેર કર્યા હતા.
આધેડ બેભાન થઇને રોડ નીચે ઢળી પડ્યાં
પાટડી તાલુકાના માલવણ હાઇવે પર અખીયાણા ગામે રહેતા આધેડ કાળુભાઇ ગગજીભાઇ વાણિયા હાઇવે પર રોડ ક્રોસ કરીને પસાર થઇ રહ્યાં હતા. ત્યારે હાઇવે પર માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દઇ રોડ ક્રોસ કરી રહેલા આધેડને અડફેટે લઇ ગટરમાં ફંગોળ્યા હતા. આથી એમને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એ બેભાન થઇને રોડ નીચે ઢળી પડ્યાં હતા.
​​​​​​​પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં એમના પરિવારજનોએ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ આધેડને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર ટી.બી.હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના હાજર તબીબે એમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતના બનાવ અંગે અખીયાણા ગામના રમેશભાઇ ક‍ાળુભાઇ વાણિયાએ બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...