દિલધડક લૂંટ:સુરેન્દ્રનગરના મુલાડા નજીક વેપારી લૂંટાયા, સાડા પાંચ લાખની લૂંટ ચલાવી ચાર શખ્સો ફરાર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • પાટડી અનાજ કરીયાણાના જથ્થાબંધ વેપારી ઝીંઝુવાડા અને વિસાવડીથી ઉઘરાણી કરીને પાટડી આવી રહ્યાં હતા ત્યારે આ લૂંટનો બનાવ બન્યો

પાટડી અનાજ કરીયાણાના જથ્થાબંધ વેપારી ઝીંઝુવાડા અને વિસાવડીથી ઉઘરાણી કરીને પાટડી આવી રહ્યાં હતા ત્યારે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં પાટડીના વેપારી પાસે મુલાડા નજીક ઇકો ગાડીમાં આવેલા ચાર શખ્સોએ ધોળા દિવસે રોકડા રૂ. 5.50 લાખ અને મોબાઇલની લૂંટ કરી પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી છે. ચારેય લૂંટારાઓ લૂંટ ચલાવી ગાડીની ચાવી પણ લઇ ગયા હતા.

પાટડી દાણાપીઠ બજારમાં અનાજ કરીયાણા અને તેલના જથ્થાબંધ વેપારીની પેઢી પ્રેમચંદભાઇ અમરતલાલ શાહની પેઢીના માલિક રાજેન્દ્રકુમાર પ્રેમચંદભાઇ શાહ દર અઠવાડિયે એક વખત ઉઘરાણી માટે ગામડાઓમાં જાય છે. અને મંગળવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે તેઓ પોતાની ખાનગી અલ્ટો 800 ગાડી લઇને ડ્રાઇવર ઇલીયાસ શબ્બીર સૈયદને લઇને ઝીંઝુવાડા ગામે વિવિધ દુકાનોમાંથી નાણાની ઉઘરાણી કરીને પોણા છ વાગ્યાના સુમારે વિસાવડી ગામે પહોંચીને અને ત્યાંથી પણ દુકાનદાર પાસે ઉઘરાણી પતાવીને અંદાજે રૂ. સાડા પાંચ લાખની રોકડ રકમ થેલામાં લઇને વિસાવડીથી પાટડી તરફ આવવા ગાડીમાં નીકળ્યાં હતા.

અને અંદાજે મોડી સાંજે 6.20 વાગ્યાના સુમારે વિસાવડીથી પાટડી તરફ મુલાડા ગામના બોર્ડ પાસે એક ઇકો ગાડીને પુરઝડપે રાજેન્દ્રભાઇ શાહની ગાડીની ઓવરટેક કરીને આગળ ગાડી ઉભી રાખીને એમાંથી ચાર શખ્સો ઉતર્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ મોંઢે રૂમાલ બાંધેલો હતો. એમાંના એક વ્યક્તિએ ગાડીની ચાવી કાઢી લીધી હતી. અને રાજેન્દ્રભાઇ શાહની સીટ આગળ મુકેલું રૂ. સાડા પાંચ લાખ રૂ.ની રકમનું પર્સની સાથે રૂ. 15,000ની કિંમતનો મોબાઇલ લઇને મોડી સાંજે રસ્તા પરથી લૂંટ કરી અંધારામાં પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગે પાટડીના વેપારી રાજેન્દ્રકુમાર પ્રેમચંદભાઇ શાહે ઝીંઝુવાડા પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા પોલિસે લૂંટ અંગેનો ગુન્હો દાખલ કરી ચારેય લૂંટારાઓને ઝબ્બે કરવા નાકાબંધી સહિતના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પીએસઆઇ એન.એલ.સાંખટ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...