ઝીંઝુવાડા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી પાટડીના આદરીયાણા-પાડીવાડા રોડ પરથી વિદેશી દારૂની 223 બોટલો સાથે કાર ઝડપી પાડી હતી. ઝીંઝુવાડા પોલીસે વિદેશી દારૂ અને ઇકો કાર મળી રૂ. 2.67 લાખના મુદામાલ સાથે ઝીંઝુવાડાના શખ્સને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઇ એન.એલ.સાંખટ સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડીના આદરીયાણા-પાડીવાડા રોડ પર વોચ ગોઠવી હતી. ત્યારે એક સફેદ કલરની ઇકો ગાડીને આંતરવા છતાં ઉભી રહી નહોતી. આથી ઝીંઝુવાડા પોલીસ સ્ટાફે આ શંકાસ્પદ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરીને આદરીયાણા-પાડીવાડા રોડ પર ખોડીયાર માતાજીના મંદિર પાસેથી ગાડીને ઝબ્બે કરી સઘન તપાસ હાથ ધરી હતી.
આ સફેદ કલરની ઇકો ગાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાતિંય જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- 223, કિંમત રૂ. 67,800, ઇકો ગાડી કિંમત રૂ. 2,00,000 મળી કુલ રૂ. 2,67,000ના મુદામાલ સાથે ઝીંઝુવાડાના આરોપી જનકસિંહ કિર્તીસિંહ ઝાલાને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. ઝીંઝુવાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એન.એલ.સાંખટ, ચેતનપરી ગોસાઇ અને મહાદેવભાઇ વણોલ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.