કાર્યવાહી:શહેરમાં શખસ બાઇક લઇને નીકળ્યો, પકડાતા 6 ચોરીના બાઇકનો ભેદ ખૂલ્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેજકપરના આરોપીએ રાજકોટ,લીંબડી, અમદાવાદ,ગઢડા સહિતના વિસ્તારમાંથી બાઇકો ચોરી

સુરેન્દ્રનગર શહેરમાં પેટ્રોલિંગમાં રહેલી બી-ડિવીઝન પોલીસ ટીમે નંબર પ્લેટ વગરના શંકાસ્પદ બાઇક સાથે એક શખસને દબોચી લીધો હતો. અને આ સાથે જ શખસની પૂછપરછ કરાતા બી-ડિવીઝનમાં નોંધાયેલા બાઇકચોરીના ગુના સહિત 6 જેટલા ચોરીના બાઇકોની કબૂલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.

સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પીએસઆઈ એચ.એસ.જાડેજા અને પોલીસ હેડકોન્સ્ટેબલ અજીતસિંહ એન.સોલંકીને મળેલી બાતમીના આધારે તેમજ સુરેન્દ્રનગર વિશ્વાસ પ્રોજેકટ નેત્રમના સોર્સથી બી-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા બાઇકચોરીના ગુનામાં બાઇક સાથે શખ્સ નીકળી રહ્યો છે. આથી વઢવાણ મૂળચંદ રોડ પર વોચ ગોઠવી શખ્સ શંકાસ્પદ બાઇક સાથે નીકળતા તેનો ઝડપી પાડવામાં આવ્યો હતો. અને બાઇકના કોઇ આધારપુરાવા કે કાગળો પણ મળી ન આવતા પોલીસે શખસની પૂછપરછ કરી હતી.

જેમાં તે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સેજકપર ગામના 28 વર્ષના રાહુલભાઈ જંયતીભાઈ મકવાણા હોવાનું જણાવ્યુ હતુ. અને આ બાઇક ઉપરાંત તેને જિલ્લા તેમજ જિલ્લા બહાર સહિત કુલ 6 બાઇકો ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ કાર્યવાહીમાં પીએસઆઈ એચ.એસ.જાડેજા, એ.એન.સોલંકી, એમ.એચ.જાદવ, આર.જે.પઢેરીયા, ડી.કે.સાવધરીયા, પી.એન.હેરમા, એ.એ.ડોડીયા, એસ.જે.ચૌહાણ સહિતનો સ્ટાફ જોડાયો હતો. તેમજ ઝડપાયેલા આરોપીને ચોરીના 6 બાઇકો સાથે પકડી આગળની કાર્યવાહી કરી હતી. જેમાં આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરાયો હતો.

આરોપીએ ક્યારે અને ક્યાંથી બાઈકની ચોરી કરી તેનું લીસ્ટ
અંદાજે 10 દિવસ પહેલા બાવળાથી આગળ મોરૈયા જીઆઇડીસીમાંથી, અંદાજે 15 દિવસ પહેલા રાજકોટ થોરાળા ખાતે આવેલ સરળ કંપની પાસેથી, અંદાજે 20 દિવસ પહેલા ‌વઢવાણ જીઆડીસી વિસ્તારમાં લક્ષપુઠાના કારખાના પાસેથી, અંદાજે 10 મહિના પહેલા લીંબડી રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી, અંદાજે 2 મહિના પહેલા લીંબડી સ્વામિનારાયણ મંદિર પાસેથી, અંદાજે 6 મહિના પહેલા સ્વામીના ગઢડા સબ સ્ટેશન પાછળથી.

બાવળની કાંટમાં ચોરેલા બાઇક વેચવા માટે રાખ્યા
ઝડપાયેલા આરોપીએ અનેક સ્થળોએ બાઇકો પર હાથ અજમાવ્યો હતો. ત્યારબાદ આ બાઇકો સંત સવૈયાનાથ ટાઉનશીપથી આગળ મૂળચંદ તરફ જવાના રોડ બાજુ આવેલી પડતર જગ્યામાં બાવળની કાંટમાં અવવારૂ જગ્યાએ બાઇકો સંતાડીને વેચાવ માટે રાખ્યા હોવાનુ બહાર આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...