બોરમાં ફસાયેલી બાળકી સાથે વાતચીત:ધ્રાંગધ્રામાં પાણીના બોરમાં ફસાયેલી બાળકીને સવાલ કર્યો કે તને શું થાય છે?, અંદરથી બાળકી બોલી- માથું દુઃખે છે, જલ્દી બહાર કાઢો

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • બોરમાં રહેલી બાળકી વારંવાર કહેતી હતી કે, 'મારે બંગડી પહેરવી છે'

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ખાતે આજે સવારે સાડા સાત વાગ્યાના સુમારે 12 વર્ષની આદિવાસી બાળકી મનીષા ખેતરમાં કામ કરતી વખતે 700થી 800 ફૂટ ઊંડા બોરમાં 60થી 70 ફૂટે ફસાઇ ગઇ હતી. બાદમાં ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી એમ.પી.પટેલ અને મામલતદાર શોભનાબેનના માર્ગદર્શન નીચે ધ્રાંગધ્રા પોલીસ અને આર્મીના જવાનો અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ બોરમાં ઓક્સિજનની સુવિધા સાથે એને બચાવવા દિલધડક રેસ્ક્યું ઓપરેશન હાથ ધરી બાળકીને બચાવી લેવામાં આવી હતી. 108ના સ્ટાફ દ્વારા બાળકી સાથે સતત વાતચીત ચાલુ રાખવામાં આવી હતી.

બાળકી સાથેની વાતચીતમાં તેમને કહ્યું- 'મને ગભરામણ થાય છે જલ્દી બહાર કાઢો'
ગાજણવાવમાં બોરમાં 70 ફૂટે ફસાયેલી 12 વર્ષની આદિવાસી બાળકી મનીષાને બહારથી આરોગ્ય વિભાગની નર્સ દ્વારા જ્યારે માઇક વડે પુછવામાં આવ્યું કે, મનીષા, તને અંદર શું થાય છે ? શ્વાસ લેવાય છે ? તો અંદરથી બાળકી મનીષા દબાયેલા સ્વરે બોલી કે, મને માથુ દુ:ખે છે, શ્વાસ તો લેવાય છે, પણ અંદર ગભરામણ થાય છે, મને જલ્દી બહાર કાઢો.

તાત્કાલીક આર્મી પહોંચી જતાં રેસ્ક્યૂ ઓપરેશન ઝડપી પૂર્ણ થયું
જ્યારે 3 કલાકના મેરોથોન રેસ્ક્યુ બાદ એને બહાર કાઢવામાં આવી ત્યારે એના માતા-પિતા બાળકીને હેમખેમ જોઇને ચોંધાર આંસુએ રડી પડ્યા હતા. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી એમ.પી.પટેલે જણાવ્યું કે, સવારે ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ખાતે એક બાળકી બોરમાં ફસાઇ હોવાનો સરપંચ અને તલાટીનો મેસેજ આવતા સરકારી તંત્ર, પોલીસ અને આર્મીના જવાનો દ્વારા ત્રણ કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ એને હેમખેમ બહાર કાઢી હાલ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવી છે.

તંત્રએ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન કરી બાળકીનો જીવ બચાવ્યો
જ્યારે આ અંગે ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતે જણાવ્યું હતું કે, ગાજણવાવ ગામના એક ખેતરમાં 11થી 12 વર્ષની બાળકી ખેતરમાં કામ કરતી વખતે 700થી 800 ફૂટ ઊંડ‍ા બોરમાં 70 ફૂટે ફસાયા બાદ એને ઓક્સિજનની સુવિધા પુરી પાડ્યા બાદ પોલીસ અને આર્મિના જવાનો દ્વારા એને હેમખેમ બહાર કાઢી ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી.

બાળકી બંગડી પહેરવાની માગ કરતી હતીઃFHW
600 ફૂટ ઊંડા બોરમાં બાળકી પડી જતા રેસ્ક્યૂ ટીમમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે જલ્પાબેન અમરેલિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જલ્પાબેને તુરંત જ માઈકની મદદથી બાળકી સાથે વાતચીત શરૂ કરી હતી. જલ્પાબેને કહ્યું હતું કે, બાળકી શરૂઆતથી જ બંગડી પહેરવાની માગ કરતી હતી.