સુરેન્દ્રનગર જિલ્લામાં 93 કેન્દ્ર પર ગુરૂવારે રસીકરણ કાર્યક્રમ યોજાતા 14,276 લોકોએ રસી લીધી હતી. જેમાં સૌથી વધુ 737 યુવાને રસી લીધી હતી. પરિણામે જિલ્લામાં કુલ 8,53,043 લોકોનું રસીકરણ થયું હતું. ત્યારે અત્યાર સુધીમાં પ્રથમ ડોઝના 7.21 લાખ લોકો સામે માત્ર 1.31 લાખ લોકોએ જ બીજા ડોઝનું રસીકરણ થયુ છે.
7,21,533 લોકોએ પ્રથમ અને 1,31,510 લોકોએ બીજો ડોઝ લીધો હતો. આમ લોકોની વસ્તીમાં 1.31 લાખ લોકોની બીજા ડોઝની સામે હાલ જિલ્લામાં અંદાજે 10 ટકા જ લોકોએ બીજો ડોઝ લીધો હોવાનું બહાર આવ્યું છે. આ રસીકરણ આંકમાં 4,47,743 પુરૂષ અને 4,05,161 મહિલાઓ રસીનો ડોઝ મુકાવી ચુક્યા છે.
જેમાં કોવિશિલ્ડની 7,46,371 રસી તેમજ કોવેક્સિનની 1,06,672 રસીના ડોઝનો ઉપયોગ કરાયો છે. આમ જિલ્લામાં 18-44ની વયના 4,20,594, 45-60ની ઉંમરના 2,56,341 તેમજ 60થી ઉપરની વયના 1,76,108 લોકોએ વય જૂથ પ્રમાણે રસીના ડોઝ મુકાવી સુરક્ષિત બન્યા છે.
ગુરુવારે કોઇ નવો કેસ નહીં અને કોરોના દર્દી આઇસોલેશનમાં પણ નહીં
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે હજુ પણ ત્રીજી લહેરના ભણકારા છે. તેમ છતા છેલ્લા ઘણા દિવસોથી મળેલી છૂટછાટના પરિણામે લોકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ તો કેટલાક માસ્ક પહેર્યા વગર પણ ખૂલ્લેઆમ ફરી રહ્યાં છે.
બીજી તરફ ત્રીજી લહેરની ચિંતાને લઇને જિલ્લામાં સંક્રમણ ન વધે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટીંગ ચાલુ રખાયુ છે. ત્યારે તા.12 ઓગસ્ટને ગુરૂવારે જિલ્લામાં એકપણ કોરોના કેસ ધ્યાને આવ્યો ન હતો. કારણ કે, આ દિવસે જિલ્લામાં કુલ 1202 લોકોનું ટેસ્ટીંગ કરાયુ હતુ. જેમાં આરટીપીસીઆરના 1066તેમજ એન્ટિજનના 136 ટેસ્ટીંગ કરાયા હતા.જ્યારે કોઇ પણ કોરોના દર્દી પણ હાલ જિલ્લામાં આઇસોલેશનમાં પણ નથી.
લખતર તાલુકામાં રાત્રિ વેક્સિનેશનમાં 362 લોકોને વેક્સિન અપાઈ
લખતર તાલુકામાં રાત્રિ વેક્સિનેશનના કાર્યક્રમ યોજવામાં આવ્યુ હતુ.જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ગામોમાં રાત્રિ વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયોહતો.
જેમાં ઢાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના લીલાપુર ગામ, વિઠલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના બાબાજીપરા ગામ સહિત તાલુકામાં અન્ય સ્થળોએ રાત્રિ વેક્સિનેશન હાથ ધરાયું હતું. લખતર તાલુકા હેલ્થ ઓફિસમાંથી મળતી માહિતી અનુસાર આ તમામ જગ્યાએ રાત્રિ વેક્સિનેશનમાં 362 લોકોને રસી અપાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.