સેવા કાર્ય:ચોટીલામાં "મહેર કરો મા" ગ્રુપ દ્વારા રેફરલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ભોજન સેવા શરૂ કરાઇ

સુરેન્દ્રનગર9 મહિનો પહેલા
  • છેલ્લા એક માસથી બે ટાઇમ ભોજન અને બે ટાઈમ ચા પાણીની અવિરીત સેવા
  • રોજ બન્ને ટાઈમ 600 જેટલા લોકો આ સેવાનો લાભ લઇ રહ્યાં છે

" ખડ, પાણી ને ખાખરા પાણા નહિ પાર વગર દિવે વાળુ કરે એ દેવકો ભલો પાંચાળ " કહેવત મુજબ ચોટીલા પંથક પાંચાળ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે અહીંના લોકોમાં માનવતાની મહેક ઘણી જોવા મળતી હોય છે, જેને લઈને ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા જરૂરિયાત મંદ લોકોને બે ટાઈમ ભોજન અને ચા,કોફી તેમજ પાણીનું "મહેર કરો માં ગ્રુપ" દ્વારા નિઃશુલ્ક એક માસથી વિતરણ કરવામાં આવે છે.

ચોટીલા " મહેર કરો મા " ગ્રુપના જયવીરભાઈ ખાચર,રવિભાઈ કોટેચા, પવુભાઈ ધાધલ, સહદેવભાઈ ખાચર, હરેશભાઈ ડાભી, રણછોડભાઈ દિલાભાઈ સહિતના યુવાનો તેમજ દાતાઓના સહયોગથી ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા જરૂરિયાત મંદ લોકોને દાળ,ભાત, શાક, રોટલી અને છાસ જેવી ભોજનની વાનગીઓ સાથે બપોરે અને રાત્રીના સમયે નિઃશુલ્ક પણે વિતરણ કરવામાં આવે છે.

અને સવારે ચા, કોફી તેમજ ઠંડા પાણીનું વિતરણ પણ બે ટાઈમ કરવામાં આવે છે. અને વ્યવસ્થાના ભાગ રૂપે યુવાનો તેમજ દાતાઓનો સહયોગ લઈને છેલ્લા એકાદ માસથી રેફરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વિતરણ કરવામાં આવે છે. અને હાલ કોરોનાના કપરા સમયે હાઇવે પર આવેલી ભોજનશાળા તેમજ હોટલો બંધ જોવા મળતી હોય છે, ત્યારે 600 જેટલા જરૂરીયાતમંદ લોકો આ સેવાયજ્ઞનો લાભ લેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...