ડ્રાઇવર બળીને ભડથુ:ચોટીલા નજીક અકસ્માત સર્જાતા ટેન્કરમાં ભયાવહ આગ લાગી, ચાલકે મોટી દુર્ઘટના ન બને તે માટે સળગતી હાલતમાં ટ્રકને સાઇડમાં પાર્ક કરી

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા નજીક અકસ્માત સર્જાતા ટેન્કરમાં ભયાવહ આગ લાગી - Divya Bhaskar
ચોટીલા નજીક અકસ્માત સર્જાતા ટેન્કરમાં ભયાવહ આગ લાગી
  • મોટી દુર્ઘટના ટાળતાં ચાલક સળગીને ભડથુ થઇ ગયો

ચોટીલા લીંબડી હાઇવે પર આગળ જતા કોઇ અજાણ્યા વાહન પાછળ ટેન્કર અથડાતા કેબીનમાં આગ લાગતા ફસાયેલા ડ્રાઇવર સળગી ભડથુ થઇ જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું.

આ ગોઝારા અકસ્માતની મળતી માહિતી મુજબ, ચોટીલાથી એકાદ કિ.મી. આગળ લીંબડી હાઇવે ઉપર રાત્રીના 10 વાગ્યાના અરસામાં ખાદ્ય તેલ ભરી જતું ટેન્કર આગળ જઇ રહેલા કોઇ વાહનના પાછળનાં ભાગે ધડાકાભેર અથડાતા કેબીનમાં આગ ભભુકી ઉઠી હતી. જેમાં ડ્રાઇવર રાજસ્થાનનો વતની પુનમારામ ચોધરી સીટ ઉપર જ ફસાઈ પડ્યો હતો, તેમ છતા કોઇ મોટી દુર્ઘટના ના બને તે માટે સળગતી હાલતમાં ટ્રક નજીકની હોટલના ગ્રાઉન્ડમાં ઉતારી લીધી હતી. ત્યાં સુધીમાં આગની જવાળાઓએ તેને લપેટી લેતા ચાલક સળગીને ભડથું થઇ જતાં સીટ ઉપર જ એનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ.

ડ્રાઇવરની સાથેનો અન્ય વ્યક્તિ કાચ તોડીને બહાર કુદી પડતા એનો આબાદ બચાવ થયો હતો. ટેન્કર સળગ્યાની જાણ થતા ચોટીલા પાલિકાના ફાયર ફાઇટર સાથે હરીભાઇ, ગોપાલભાઈ, નરેન્દ્રભાઇ, લાલાભાઇ સહિતનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી ટેન્કરની કેબીનની આગને ઠારી આગળ વધતી અટકાવી હતી. હાઇવે પર ટેન્કર સળગ્યાની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ચોટીલા મામલતદાર કચેરીથી થોડે દૂર જ ટેન્કર સળગવા છતાં સ્થાનિક ડીઝાસ્ટર/આપતકાલીન વિભાગની ઘટના સ્થળે સૂચક ગેરહાજરી જોવા મળી હતી. આ ગોઝારી ઘટના બાદ ફક્ત સળગતું ટેન્કર સ્થળ ઉપર હતુ. આગળ કોઇ વાહનની હાજરી જોવા નહીં મળતા અજાણ્યો વાહન ચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળેથી નાસી છુટ્યું હોવાનું બહાર આવ્યું હતુ.

નેશનલ હાઈવે પર આડેધડ ઉભા રહેતા વાહનને કારણે અકસ્માત થયાની આશંકા

ચોટીલા નેશનલ હાઇવે ઉપર બંન્ને તરફ રોડ ઉપર જ સંખ્યા બંધ વાહનચાલકો રોડ ઉપર જ વાહન ઉભું રાખતા હોય છે. ત્યારે રાત્રીના સમય હોવાથી આગળ વાહન ઉભુ છે કે, રનીંગમાં છે તેનો અંદાજ ટેન્કર ચાલકને નહીં આવતા અકસ્માત સર્જાયો હોવાનું ઘટના સ્થળ પરથી અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...