ભીષણ આગ:સુરેન્દ્રનગર જીનતાન ઉધોગનગરમાં પ્લાસ્ટીકની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ, કાગળ અને પ્લાસ્ટીકનો મુદ્દામાલ બળીને ખાખ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જીનતાન ઉધોગનગરમાં આવેલી પ્લાસ્ટીકની ફેકટરીમાં રાત્રી દરમિયાન અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરવિભાગને જાણ કરાઇ હતી. આથી તાત્કાલીક ટીમ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો સતત મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઇ જાનહાની ન થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફટાકડો પડતા પેપર અને પ્લાસ્ટીકમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

આગ લાગતા અફડાતફડી મચી
સુરેન્દ્રનગર શહેરમાં દિવાળી પર્વ દરમિયાન આગના બનાવો બનતા હોય છે. આવો જ એક બનાવ સોમવારે રાત્રી દરમિયાન બન્યો હતો. જેમાં શહેરના જીનતાન ઉધોગ નગરમાં આવેલી રેગન નોવેલ ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનીકોએ ફેક્ટરીના માલિકને બનાવની જાણ કરી હતી. આથી ઘટના સ્થળે દોડી આવ્યાં હતા આગ વધતી જતા લોકોમાં દોડધામ મચી હતી. આ અંગે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી.આથી ચીફઓફિસર સાગરભાઇ રાડીયાની સુચનાથી ફાયર ઓફિસર દેવાંગ દુધરેજીયા, જયભાઇ રાવલ, ગોપાલ બારૈયા, અમૃતભાઇ કલોત્રા, રાહુલભાઇ ડોડીયા, સિધ્ધરાજસિંહ રહેવર, મુકેશભાઇ સાકરીયા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા.

​​​​​​​ફાયરની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી
જ્યાં આગની ગંભીરતા ધ્યાને આવી હતી. આથી 2200ની ક્ષમતાનો નાનુ ફાયર ફાઇટર અને 2 મોટી સાઇઝના 12000 લીટરની ક્ષમતા વાળા ફાયર ફાઇટર તૈનાત કરી દેવાયા હતા. સતત પાણીનો મારો ચલાવવાનું ચાલુ રાખવા છતા પેપર અને પ્લાસ્ટીકમાં ફેલાયેલી આગને બુજાવતા બે કલાક જેટલો સમય લાગી ગયો હતો. આ બનાવની જાણ થતા પાલિકા કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.

ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન
આ બનાવમાં ફાયર વિભાગની સતર્કતા અને સમય સુચકતાને લઇ કોઇ મોટી જાનહાની થઇ ન હતી કે કોઇ ઇજાનો બનાવ સામે આવ્યો નહતો. પરંતુ ફેક્ટરીમાં રહેલા પેપર પ્લાસ્ટીકના દાણા સહિત કાગળ અને પ્લાસ્ટીકનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો. આ અંગે તપાસ કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં આ સ્થળે કોઇ ફટાકડો આવી પડ્યો હોવાથી તેના સ્પાર્કને લઇ પેપર અને પ્લાસ્ટીકના દાણાએ આગ પકડી હોવાનુ અને તે વધી ફેક્ટરી આખામાં ફેલાયાનુ ધ્યાને આવ્યાનુ ફાયર વિભાગમાથી જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...