સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામે પી.જી.વી.સી.એલ.નો જીવતો વીજ વાયર નીચે પડતા આગ લાગી હતી. જેથી પશુઓને ખાવાનો 1500 કડબ પુળાનો જથ્થો તેમજ 600 ફુટ પાઈપ બળીને ખાખ થઈ ગયાની ઘટના બની હતી.
આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે, લખતર તાલુકાના વણા ગામે રહેતા કનુબેન નારાયણભાઈ રામીના ખેતરમાં પશુને ખવડાવવા માટે કડબ નિરણનો જથ્થો રાખ્યો હતો. બાજુમાં પસાર થતી ભારદ ફીડર તરફથી બજરંગપુરા જતી પી.જી.વી.સી.એલ. વિભાગની લાઈનના ચાલુ વાયર નીચે પડતા તણખલાના કારણે નીચેના ભાગમાં સુકું ઘાસ હોવાથી ધીમે ધીમે આગ આગળ વધતા કનુબેનના ખેતર પાસે પહોચતા કડબના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
જેમાં આશરે 1500 જેટલા કડબના પુળા અને 30 નંગ પી.વી.સી. સિંગોડાની 600 ફુટ જેટલા પાઈપ બળીને ખાખ થઈ ગયા હતા. આ અંગેની જાણ ખેતર માલિકને થતા ખેતરે દોડી ગયા હતા.જ્યારે આ બનાવની જાણ વણા સરપંચ ધુ્રવરાજસિંહ રાણાને થતા બનાવના સ્થળે પહોચી પંચ રોજ કામ કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી છે. ખેડુતના ખેતરમાં થયેલા નુકસાનીનું યોગ્ય વળતર આપવા માટે માંગ વ્યક્ત કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.