નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ:પાટડી તાલુકાના સવલાસના એક પરિવારે 108 નવચંડી યજ્ઞ કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટડી તાલુકાના સવલાસના એક પરિવારે બે વર્ષમાં 108મો નવચંડી યજ્ઞ કરી પૂર્ણાહુતિ યજ્ઞ કર્યો હતો. આ પૂર્ણાહુતિ યજ્ઞમાં હરિદ્વાર સહિત દેશભરમાંથી સાધુ-સંતોની પધરામણી થઇ હતી.
108 નવચંડી યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો હતો
પાટડી તાલુકાના સવલાસના ભવાન કોટક પરિવારે કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કટોકટીના તબક્કામાં પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથ 'દેવી ભાગવત'માંથી પ્રેરણા મેળવી હતી. આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે, એક સુવ્રત નામના રાજાએ સદીઓ અગાઉ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. આથી સવલાસના ભવાન કોટક પરિવારે પણ વિચાર્યું કે, આપણે પણ આવું એક ધાર્મિક કાર્ય કરવું જોઇએ અને આ કોટક પરિવારની આસ્થા અને શ્રદ્ધા બહુચર માતા સાથે જોડાયેલી હોવાથી આ પરિવારે બહુચરાજીના જલારામ મંદિરમાં યજ્ઞશાળા બનાવીને માઁ બહુચરની પ્રસન્નતા માટે 108 નવચંડી યજ્ઞ કરવાનો વિચાર અને સંકલ્પ કર્યો હતો.

108 ઋષિકુમારોની ઉપસ્થિતિમાં 108મો નવચંડી યજ્ઞ યોજાયો
બે વર્ષ અગાઉ 31/10/2020ના રોજ આ પવિત્ર યજ્ઞ પરંપરાની શુભ શરૂઆત કરી હતી. બે વર્ષમાં 108 નવચંડી યજ્ઞના પૂર્ણાહુતિરૂપે 108મો નવચંડ મહાયાગનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં હરીદ્વાર અને રૂષિકેશથી સંતો-મહંતોની પધરામણી થઇ હતી. વેદમૂર્તિ આચાર્ય પવનદત્ત મિશ્રા અને કમિજલાની જગ્યાના મહંત જાનકીદાસ બાપુ, મોરબીથી ખોખરા હનુમાન, કનકેશ્વરી દેવીજી, મહારાષ્ટ્ર કોઇમ્બતુરથી મહાલક્ષ્મી મંદિરના શાસ્ત્રી મયુર મુકુન્દ મુનિશ્વર તેમજ દેશના વિવિધ જગ્યાના સંતો-મહંતો, વિદ્વાનો તેમજ 108 ઋષિકુમારોની ઉપસ્થિતિમાં 108મો નવચંડી યજ્ઞ યોજાયો હતો.
આ અંગે સવલાસ ગામના ભવાન કોટકે દિવ્યભાસ્કરને જણાવ્યું કે, પરિવારજનો અને લોકોના સાથ-સહકારથી 108 નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતુ. જેમાં વિવિધ જગ્યાના સાધુ-સંતોની પધરામણીથી આ પૂર્ણાહુતિ યજ્ઞમાં અમે ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...