ઉમેદવારોના નામની ગડમથલ:4 બેઠક પર ત્રણેય પક્ષના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીનો રોચક જંગ કેન્દ્રીય મંત્રી, 2 ધારાસભ્ય, 2 મહિલા, ભાઈબહેનની જોડી, 3 નવા નિશાળિયા મેદાને ઊતર્યા
  • ક્યાંક​​​​​​​ ​​​​​​​બળાબળનાં પારખાં, ક્યાંક જ્ઞાતિ-સંપર્ક જીત અપાવશે

ઝાલાવાડની 5 વિધાનસભાની બેઠકમાંથી 4 બેઠકમાં ભાજપ, કૉંગ્રેસ અને આપના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. કૉંગ્રેસમાં ધ્રાંગધ્રા બેઠકના ઉમેદવારોના નામની ગડમથલ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને લીંબડી, ચોટીલા, પાટડી બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસની સાથે આપની સીધી ટક્કર રહેશે, તે સ્પષ્ટ છે.

લીંબડી : ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારો વચ્ચે કોળી મતો વહેંચાશે​​​​​​​
ભાજપ - કિરીટસિંહ રાણા
કૉંગ્રેસ - કલ્પના મકવાણા​​​​​​​
આપ - મયૂર સાકરિયા
ભાજપના અનુભવી અને 8 વખત ચૂંટણી લડી ચૂકેલા વર્તમાન કેન્દ્રીય મંત્રી કિરીટસિંહ રાણા સામે કૉંગ્રેસે પણ ગળથૂંથીમાં રાજકારણ મળ્યું છે, તેવા મકવાણા પરિવારનાં કલ્પનાબહેન મકવાણાને મેદાનમાં ઉતાર્યાં છે જ્યારે આપમાંથી યુવાન મયૂરભાઈ સાકરિયા મેદાને છે.

કૉંગ્રેસ અને આપ, આ બંને પક્ષના ઉમેદવારોનું ખાસ કરીને સાયલા તાલુકામાં ખૂબ પ્રભુત્વ છે જ્યારે કિરીટસિંહ રાણા માટે લીંબડી તાલુકો ગઢ કહી શકાય પરંતુ આપ અને કૉંગ્રેસ, બંનેના ઉમેદવારો કોળી જ્ઞાતિના છે. મયૂરભાઈ જે દિવસે આપમાં જોડાયા તેના બીજા દિવસે જ તેમને ટિકિટ આપી દેવાઈ હતી. આમ લીંબડી વિધાનસભાની બેઠક ઉપર સાયલામાં વધુ પ્રભુત્વ ધરાવતા 2 કોળી ઉમેદવાર સામસામે છે.

પાટડી : કૉંગી ધારાસભ્ય, ભાજપના સ્થાનિક વચ્ચે જંગ જામશે
ભાજપ - પી. કે. પરમાર
કૉંગ્રેસ - નૌશાદ સોલંકી
આપ - અરવિંદ સોલંકી
અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક ઉપર કૉંગ્રેસે ધારાસભ્ય નોશાદ સોલંકીને રીપીટ કર્યા છે. સામે ભાજપે પહેલી વાર સ્થાનિક ઉમેદવારનો દાવ ખેલીને પી. કે. પરમારને મેદાનમાં ઉતાર્યા છે. સામે આપે અમદાવાદ રહેતા અરવિંદ સોલંકીને ટિકિટ આપી છે.

ગત ચૂંટણીમાં નૈશાદભાઈ 3788 મતની પાતળી સરસાઈથી જીત્યા હતા. ઉપરાંત ગત ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરે મોટું કામ કર્યું હતું જ્યારે આ ચૂંટણીમાં આપ સામે આવીને ઊભો છે. જીત થયા બાદ પાટડીના ધારાસભ્ય સતત લોકોના સંપર્કમાં રહ્યા છે જ્યારે સામે ભાજપના ઉમેદવાર સ્થાનિક હોવાથી, તેઓ પણ લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે. ત્યારે આ સ્થિતિમાં આપના આયાતી ઉમેદવારનું કેટલું ઉપજે છે, એ જોવું રહ્યું.

ચોટીલા : જ્ઞાતિ વિરુદ્ધ ખેડૂત મતદારો ત્રિપાંખિયો જંગ જામશે

​​​​​​​ભાજપ - શામજી ચૌહાણ કૉંગ્રેસ - ઋત્વિક મકવાણા આપ - રાજુભાઈ કરપડા ​​​​​​​કોળી જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતી બેઠક જીતવા ભાજપે શામજીભાઈને ટિકિટ આપી છે તો કૉંગ્રેસે ધારાસભ્ય ઋત્વિક મકવાણાને રીપીટ કર્યા છે. આમ, ભાજપ અને કૉંગ્રેસ, બંનેના કોળી જ્ઞાતિના ઉમેદવારો તો સામસામે ટકરાશે જ તેની સાથે આપે આ બેઠકનાં ગામોમાં નોંધનીય વસતી ધરાવતા કાઠી દરબાર જ્ઞાતિના અને ખેડૂતોના હિતમાં ઘણાં આંદોલન કરી ચૂકેલા રાજુભાઈ કરપડાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક ઉપર કોળી જ્ઞાતિના મતોનું ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો વચ્ચે વિભાજન થશે, તે સ્પષ્ટ છે. હવે, આપના ઉમેદવારને કેટલા ખેડૂતો મત આપે છે, તેના ઉપર ચૂંટણી પરિણામનો મોટો મદાર છે. બીજી બાજુ કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્યની સામે ભાજપના આ બેઠકના અનુભવી ઉમેદવાર વચ્ચે બરાબરીનો જંગ જામશે.

વઢવાણ : ત્રણેય પક્ષના ઉમેદવાર પહેલી જ વાર ચૂંટણી લડશે
​​​​​​​ભાજપ - જિજ્ઞા પંડ્યા
કૉંગ્રેસ - તરુણ ગઢવી​​​​​​​
આપ - હિતેષ બજરંગ​​​​​​​
જિલ્લાની મોટા ભાગની વિધાનસભાની બેઠકમાં ભાજપ, કૉંગ્રેસ અને આપે જ્ઞાતિના સમીકરણનું ખાસ ધ્યાન રાખ્યું છે પરંતુ વઢવાણ એક એવી બેઠક છે કે આ ચૂંટણીમાં ત્રણમાંથી એક પણ પક્ષે જ્ઞાતિના સમીકરણ ઉપર ભાર મૂક્યો નથી. ભાજપે જન્મે જૈન અને બ્રાહ્મણ પરિવારનાં પુત્રવધૂ જિજ્ઞાબહેનને તો કૉંગ્રેસે તરુણ ગઠવીને મેદાનમાં ઉતાર્યા છે. સામે આપે પાટીદાર હિતેષ બજરંગને ટિકિટ આપી છે. ત્રણેય પક્ષના ઉમેદવારો પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે તેમ છતાં કૉંગ્રેસના કમિટેડ મતદારો પણ ઓછા નથી. બીજી તરફ કોળી, બ્રાહ્મણ, જૈન, અનુસૂચિત જાતિ, ક્ષત્રીય સહિતની તમામ જ્ઞાતિઓ આ ચૂંટણી લડતા અલગ અલગ જ્ઞાતિના કયા પક્ષના ઉમેદવારને મત આપી જીતાડશે, તે ભર્યા નાળીયેર જેવું છે.

અન્ય સમાચારો પણ છે...