માળિયા-અમદાવાદ હાઇવે પર માલવણ નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અખિયાણા પાસે પૂરઝડપે આવી રહેલી ઇનોવા કાર ડિવાઇડરમાં ઘૂસી જતાં બે વેવાઇનાં મોત થયાં હતા, જ્યારે ઇનોવા ગાડીમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં વધુ સારવાર અર્થે અમદાવાદ સેલ્બી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. મહત્ત્વનું છે કે કલોકનો પટેલ પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો એ દરમિયાન અકસ્માત સર્જાતાં લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો હતો.
ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો
ગત રાત્રિના પોણાબાર વાગ્યાના સુમારે પટેલ સમાજનો પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો. ત્યારે માલવણ હાઇવે પરના અખિયાણા ગામ પાસે આવેલી શિવશક્તિ હોટલ નજીક ઓવરબ્રિજ પાસે રાત્રિના અંધારામાં પૂરઝડપે આવી રહેલી ઇનોવા કારના ચાલક વિનોદ દેવજીભાઇ પટેલે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બેકાબૂ બનેલી કાર ડિવાઇડરને ટક્કર મારી રોડની બીજી સાઇટ આવી જતાં ગાડીનો ફુરચો બોલી ગયો હતો.
બંને વેવાઇનાં મોત
આ અકસ્માતની ઘટનામાં ગાડીમાં સવાર વરરાજાના દાદા અને વરરાજાના નાના એટલે કે બંને વેવાઇઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ગાડીમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સેલ્બી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલીસ મથકના સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ બંને વેવાઇના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હતા.
અકસ્માતમાં ડ્રાઇવરનો આબાદ બચાવ
સામાન્ય રીતે હાઇવે પર સર્જાતા ગમખ્વાર અકસ્માતનો સૌથી વધુ ભોગ ગાડીનો ચાલક બનતો હોય છે. ત્યારે માલવણ હાઇવે પર ઇનાવો કારના સર્જાયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર બે વેવાઇના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ગાડીમાં સવાર અન્ય 3 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે અકસ્માતમાં નંદાસણ ગામના ડ્રાઇવર વિનોદ દેવજીભાઇ પટેલનો આબાદ બચાવ થયો હતો.
મોતને ભેટનારા બંને વેવાઇ
ઇજાગ્રસ્તોનાં નામ
વરરાજાના મામાનો ફોન આવ્યો કે અમે કારમાં ફસાણા છીએ, બચાવો
અમે સૌ સામખિયાળી હોટેલમાં જમવા માટે રોકાયા હતા. હોટેલ નાની હોવાથી એકસાથે બેસીને જમી શકાય, તેવી વ્યવસ્થા નહોતી એટલે એકાદ કલાકનો હોલ્ટ કર્યો હતો. દાદા અને નાના, બધાયની સાથે આનંદ કરતા હતા. જમીને અમે વરરાજા સાથે બધાય લક્ઝરીમાં બેઠા અને દાદાને એ લોકો ઇનોવામાં રવાના થયા હતા. ઇનોવા 110ની સ્પીડે ચાલતી હતી અને અમે પાછળ 80ની સ્પીડે આવતા હતા ત્યારે વરરાજાના મામા પ્રવીણભાઈનો ફોન આવ્યો હતો કે અમારી ગાડીને અકસ્માત થયો છે. અમે કારમાં ફસાણા છીએ. અમને બહાર કાઢો. આથી લક્ઝરી ઝડપથી ચલાવી, અમે ત્યાં પહોંચ્યા અને મહામહેનતે ફસાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે લઈ ગયા. દાદા અને નાનાના શરીરમાં જીવ ન હોય તેવું લાગ્યું હતું. - રમેશભાઈ પટેલ, વરરાજાના બનેવી
અમે હોટેલમાં સાથે જ જમવા બેઠા હતા. દાદાએ કહ્યું કે તારાં લગ્ન થઈ ગયા મને ખૂબ આનંદ આવ્યો. હોટેલમાં જમવાનું પણ સરસ છે. અમને ક્યાં ખબર હતી કે દાદા, નાના સાથે આ છેલ્લી વાર જમીએ છીએ.’ - નીતિન પ્રવીણભાઈ પટેલ, વરરાજા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.